કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ગઢડા ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન માંડવીયા ગઢડા વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર આત્મારામભાઇ પરમારના સમર્થનમાં રણીયાણા ગામ ખાતે બપોરે 3 કલાકે પાટીદાર સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠક અને પ્રવાસમાં તેમની સાથે ગઢડા વિધાનસભા ક્ષેત્રના ભાજપ પ્રદેશ ચુંટણી ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, રાજ્ય સરકારના પ્રધાન વિભાવરીબેન દવે, જિલ્લા ભાજપ પ્રભારી અમોભાઈ શાહ, જિલ્લા અને તાલુકા ભાજપાના પ્રમુખ/ મહામંત્રી, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકને સંબોધતા કેન્દ્રીય પ્રધાન માંડવીયાએ જણાવ્યું હતું કે અનેક વિપદાઓ અને સંકટો વચ્ચે પણ વડાપ્રધાન મોદી વોટબેંકની કે સતાની પરવાહ કર્યા વિના દેશ હિતને સર્વોચ્ય સ્થાન આપી “નયા ભારતના” નિર્માણમાં મક્કતાપૂર્વક આગળ વધી રહ્યા છે. દેશના 130 કરોડ નાગરિકોના સપનાનું નવું ભારત સશક્ત છે અને સક્ષમ પણ છે. આ બાબતની સ્વીકૃતિ આજે વૈશ્વિક ફલક પર મળી રહી છે અને આપણે સૌ અનુભવી પણ રહ્યા છીએ.
કેન્દ્રીય પ્રધાન માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના છ દસકાઓના ખાડા વડાપ્રધાન મોદી છેલ્લા છ વર્ષથી પુરી રહ્યા છે. દેશહિતમાં અસંભવ લાગતા અનેક નિર્ણયો અને અશક્ય લાગતી અનેક નીતિઓનો અમલ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપ સરકારમાં થઈ રહ્યો છે. જેના સર્વસ્પર્શી બહુઆયામી પરિણામો વિવિધ ક્ષેત્રે દેશના નાગરિકોને મળી રહ્યા છે.
કેન્દ્રીય પ્રધાન માંડવીયાએ આગળ જણાવતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના રાષ્ટ્ર સેવાના સંકલ્પ અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબધ્ધતાને કારણે જ “સ્વચ્છતા અભિયાન”, વોકલ ફોર લોકલ”, “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” જેવા અનેક ધ્યેય મંત્રો આજે સમગ્ર દેશમાં જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. આ બધા જન આંદોલનોને કારણે દેશના છબી બદલાઈ છે, અર્થતંત્ર, રોજગારી, સ્વદેશી વસ્તુઓના વપરાશને ઉતેજન મળ્યું છે. આ સાથે-સાથે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને નિશ્ચિત કરવામાં પણ મદદ મળી છે.
વધુમાં સંબોધન કરતા જણાવ્યું કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપ સરકારે પણ નાગરિકોના હિત અને પ્રજા કલ્યાણને પ્રાથમિકતા આપીને “ભાજપની સરકાર એ પ્રજાની સરકાર” છે તે સિદ્ધ કર્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના મહામારી જેવી વૈશ્વિક આપદાના આરંભથી જ પ્રણાલીગત જડ શાસનવ્યવસ્થાથી ઉપર ઉઠીને લોકહિતમાં સંવેદનશીલ નિર્ણયો લીધા છે. કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારની નાગરિકો પ્રત્યેની કટિબદ્ધતા એ પ્રતિપાદિત કર્યું છે કે ભાજપ માટે “સત્તા એ સેવાનું માધ્યમ” છે અને રાજનીતિને નહીં પણ રાષ્ટ્ર નીતિને પ્રાધાન્ય મહત્વનું છે.
કેન્દ્રીય પ્રધાને માંડવીયાએ અંતમાં કહ્યું હતું કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદી અને રાજ્યમાં મુખ્યપ્રધાાન વિજય રૂપાણી નેમ, નિષ્ઠા અને જવાબદેહી સાથે રાષ્ટ્ર આરાધનામાં અને સમાજ સેવામાં નિરંતર પરિશ્રમ કરી રહ્યા છે. ત્યારે તેઓના હાથ મજબૂત કરવાની આપણા સૌની નૈતિક જવાબદારી બને છે, આ માટે ભાજપાના ઉમેદવાર આત્મારામ પરમારને જંગી બહુમતિથી ચુંટીને આપણે સૌ આપણું યોગદાન નિશ્ચિત કરીએ.