///

ખેડૂત આંદોલનનું સમર્થન : 8 ડિસેમ્બરે ભારત બંધને કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓનું સમર્થન

ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને હવે રાષ્ટ્રવ્યાપી બનાવવાની તૈયારી થઈ રહી છે. દેશભરના ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોના ખેડૂત સંગઠનો સામેલ થવાના છે. હવે અનેક રાજનીતિક પાર્ટીઓએ પણ આ બંધને પોતાનો ટેકો જાહેર કર્યો છે. જેમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસે બંધના એલાનને સમર્થન આપ્યું છે.

આ અંગે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, કોંગ્રેસે 8 ડિસેમ્બરે ભારત બંધને સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. અમે અમારા પાર્ટી કાર્યાલયો પર પણ પ્રદર્શન કરીશું. આ ખેડૂતોને રાહુલ ગાંધીના સમર્થનને મજબૂત કરવા માટેનું પગલું હશે. અમે નક્કી કર્યું છે કે, પ્રદર્શન સફળ નીવડે.

TRS MLC કે કવિથાએ કહ્યું કે, અમે સંસદમાં બિલનો વિરોધ કર્યો હતો અને કરતાં રહીશુ. આમાંથી કોઈ પણ બિલમાં MSPનું આશ્વાસન નથી આપવામાં આવ્યું, જે ખેડૂત માટે અસુરક્ષિત છે. અમારી પાર્ટી TRS ખેડૂતોના બંધનું સમર્થન કરશે.

આ સિવાય દિલ્હીના પ્રધાન અને આપ નેતા ગોપાલ રાયે કહ્યું કે, 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. AAP સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ભારત બંધનું સમર્થન કરવા આહ્વાન કર્યુ છે.

જણાવી દઈએ કે, ઑલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કોઑર્ડિનેશન કમિટીના બેનર હેઠળ બોલાવવામાં આવેલા ભારત બંધમાં દેશભરથી 400થી વધુ ખેડૂત સંગઠનો ભાગ લેવાના છે. કોંગ્રેસ, TRS અને આપ સિવાય અન્ય રાજનીતિક પાર્ટીઓ પણ તેને સમર્થન આપ્યું છે. TMC, RLD, RJD, RLSP, SP અને લેફ્ટ પાર્ટીઓએ પણ બંધનું સમર્થન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.