///

તૌકતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં હજુ પણ અંધારપટ

રાજ્યમાં તૌકતે વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે. ત્યારે વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગર જિલ્લામાં હજુ પણ અંધારપટ છવાયેલો છે. સૌરાષ્ટ્રના આ ગામડાઓને વીજળી મળતા હજુ પણ એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.

તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના 5400 જેટલા ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેમાંથી અત્યાર સુધી 4004 ગામડામાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે 889 જેટલા ગામડામાં હજુ પણ વીજળી નથી.

હજુ કેટલાક ગામડામાં જેટકોના 66 કે.વી અને 220 કે.વીના સબ સ્ટેશન બંધ હોવાને કારણે વીજ પુરવઠો નથી. પીજીવીસીએલની 500 ટીમ, કોન્ટ્રાક્ટરોની 376 ટીમ, ડીજીવીસીએલની 40 ટીમ, એમજીવીસીએલની 50 ટીમ, યુજીવીસીએલની 25 ટીમો કામ કરી રહી છે.

રાજુલા, જાફરાબાદ, મહુવા, સાવરકુંડલા અને શિહોર સહિતના મોટા શહેરમાં આગામી ચાર દિવસમાં જ વીજ પૂરવઠો પૂર્વવત કરી દેવાશે અને બાકીના તમામ ગામ-શહેરમાં આઠ દિવસમાં વિજળી આવી જશે. 70 હજારથી વધુ વીજ પોલ વાવાઝોડામાં પડી ગયા હતા ત્યારે મોટી સંખ્યામાં વીજ કર્મીઓ પોલ ઉભા કરવા, લાઇન ચાલુ કરવા, ફિડર રિપેર કરવા, ટ્રાન્સફોર્મર રિપેર કરવા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે કરી રહ્યા છે.

ખેતીવાડીના ફિડર અને લાઇન સૌથી છેલ્લે કરાશે, બાકીના ફિડર વહેલી તકે શરૂ કરી લોકોના ઘરમાં અંધારા ઉલેચવા પીજીવીસીએલ સહિતની ટીમ કામે લાગી છે. ઉના અને તેની આસપાસના ગામડામાં વીજ પુરવઠો ના આવતા પાણીની તંગી સર્જાઇ છે.પાણીના કુવામાંથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પીવાનું પાણી લેવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે.

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇને 1000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોને રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.