///

રાજ્યમાં યુવાન મહિલાઓની સરખામણીએ પુરૂષો નિયત ઉંમર પહેલા કરે છે લગ્ન : સર્વે

કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓની લઘુતમ લગ્ન કરવાની વયમાં ફેરફાર કરવાની વિચારણા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં યુવાન મહિલાઓની સરખામણીએ પુરુષો નિયત વય પહેલા લગ્ન વધુ કરતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે દેશમાં લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ, જ્યારે મહિલાની 18 વર્ષ નક્કી કરવામાં આવી છે.

એક સર્વેમાં રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણે, 25થી 29 વર્ષના 27.7 ટકા પુરુષોએ 21 વર્ષની ઉંમર પહેલા જ લગ્ન કરી લીધા હતા. જ્યારે 20 થી 24 વર્ષની યુવાન મહિલાઓમાં 21.8 ટકા યુવતીઓએ 18 વર્ષ લગ્ન કર્યા હતા. સર્વેના આંકડા પ્રમાણે યુવાન પુરુષ અને મહિલાઓમાં નિયત વય પહેલા લગ્ન કરવાના મામલા શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારોમાં વધુ નોંધાયા છે.

ત્યારે ચોંકાવનીરી બાબત ગણી શકાય કે, ગ્રામીણ વિસ્તારોમાં 33.9 ટકા 25 થી 29 વર્ષના યુવાન પુરુષોએ 21 વર્ષ પહેલાં જ લગ્ન કરી લીધા હતા. જ્યારે 20 થી 24 વર્ષની 26.9 ટકા યુવાન મહિલાઓના લગ્ન 18 વર્ષ પહેલાં થઈ ગયા હતા. તો શહેરી વિસ્તારમાં 18.7 ટકા યુવાન પુરુષોના લગ્ન 21 વર્ષ પહેલાં થયા હતા અને 14.2 ટકા યુવાન મહિલાઓએ 18 વર્ષ પહેલાં લગ્ન કરી લીધા હતા.

તો બીજી બાજુ યુવાન મહિલાઓમાં 18 વર્ષથી ઓછી વયે લગ્ન કરવાની ટકવારીમાં 3.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે પુરુષોમાં 21 વર્ષથી ઓછી વયે લગ્ન કરવાની ટકવારીમાં માત્ર 0.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2015-16ના NFHS-4ની આંકડાકીય માહિતી મુજબ, 24.9 ટકા મહિલાઓ 18 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. જોકે 2019-20ના NFHS-5માં આ ટકવારી ઘટીને 21.8 ટકા થઈ છે. NFHSના આંકડા પ્રમાણે, વર્ષ 2015-16માં 28.8 યુવાન પુરુષોએ 21 વર્ષની ઉંમર પહેલા જ લગ્ન કરી લીધા હતા.

આ સર્વેના રિપોર્ટમાં, ગુજરાત સિવાય મેઘાલય, મિઝોરમ, જમ્મુ-કાશ્મીર અને કેન્દ્ર શાસિત પ્રદેશ-ગોવા અને લેહ લદાખમાં પણ નિયત વય પહેલા લગ્ન કરવાની ટકાવારી પુરુષોની મહિલાઓ કરતાં વધુ છે. જ્યારે 98 ટકાથી વધુ સાક્ષરતા દર ધરાવતા કેરળમાં 21 વર્ષથી નાની વયે લગ્ન કરવાની પુરુષોની ટકવારી માત્ર 1.4 ટકા છે, જ્યારે 18 વર્ષથી નીચે લગ્ન કરનાર મહિલાઓની ટકવારી 6.3 ટકા જેટલી છે.

Leave a Reply

Your email address will not be published.