/

વેપારીઓ ઇનપુટ ટેક્ષ ક્રેડિટ લેતા હોય તો આ સમાચાર વાંચે

ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે કાર્યવાહી સંદર્ભે વિધાનસભાગૃહમાં પુછાયેલા પ્રશ્નના ઉત્તર આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે કાયદાની મર્યાદામાં રહીને મિલકત જપ્તી અને રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારની તિજોરીમાં જે ટેક્સ આપવો જોઈએ તે ટેક્સ ન આપે તો તેને શોધવા અને વસૂલ કરવા અમારો જીએસટી વિભાગ સતત પ્રયત્નશીલ છે. નકલી બીલોથી ટેક્સ ક્રેડિટ લેવાના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અમારી સરકાર સહેજ પણ ચલાવી લેવા માગતી નથી. નીતિન પટેલે ઉમેર્યુ કે, વર્ષ-2017થી જીએસટી કાયદો અમલમાં આવ્યો અને આ કાયદાની અમલવારીની પદ્ધતિ મુજબ કોઇ વેપારી એકમ દ્વારા ઉત્પાદન માટે કોઈપણ ચીજ વસ્તુની ખરીદી કરવામાં આવી હોય તે ખરીદેલા માલસામાન પર જે ટેક્સ ભર્યો હોય તે ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે બાદ મળતો હોય છે. પરંતુ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી રહ્યા હોવાની ગંભીર બાબતો ધ્યાને આવતા તેને અટકાવવા અમારા જીએસટી વિભાગ દ્વારા ચેકિંગ, સર્વે અને બાતમી મેળવીને આવા વેપારી એકમો પકડી પાડવામાં આવી રહ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે આવા વેપારી એકમોને પકડીને તેમની સામે વ્યાજ દંડ વસૂલવા ઉપરાંત રજિસ્ટ્રેશન રદ કરવા તેમના સોફ્ટવેર બ્લોક કરવા ઉપરાંત કાયદાની મર્યાદામાં રહીને મિલકત જપ્તી સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ હતું કે કચ્છ અને મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં આવા વ્યાપારી એકમો પકડી પાડવામાં આવ્યા છે જેના થકી કચ્છ જિલ્લામાંથી 4616.19 લાખની સંભવિત ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમ પકડાઈ છે. જ્યારે મહેસાણા જિલ્લામાંથી કુલ રૂપિયા 476.16 લાખ સંભવિત ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમ પકડાય છે. એટલું જ નહીં પકડાયેલા 68 વેપારી એકમો પૈકી 44 વેપારી એકમો પાસેથી રૂપિયા 189.83 લાખની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે બાકી વસૂલાત પ્રક્રિયા હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published.