///

રાજ્યમાં વધુ 2 દિવસ હવામાન વિભાગની વરસાદની આગાહી

રાજ્યમાં બે દિવસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારબાદ હવામાનની આગાહી મુજબ ફરી એકવાર આગામી 12 અને 13 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. જેથી ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે.

કમોસમી વરસાદના પગલે ખેતરમાં ઉભેલા પાકના નુકશાનની ભિતી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય ચે કે આજ રોજ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજ્યમાં દિવાળી બાદ ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. રાતના સમયે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઠંડીની અસર ઓછી થઇ હતી. ત્યારે આજે વરસેલા વરસાદના કારણે ફરી શીત લહેર પ્રસરી છે.

હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આવનારા બે દિવસો દરમિયાન સુરત, સોમનાથ, દાહોદ, ભાવનગર, પંચમહાલ, આણંદ, વડોદરામાં વરસાદી છાંટા પડી શકે છે.

ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદમાં આજે શુક્રવારે વહેલી સવારે વરસાદી માહોલ છવાયો હતો. જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. શહેરના સાઉથ બોપલ, એસજી હાઈવે, સેટેલાઈટ, નહેરુનગર, રાણીપ, વાડજ, નારપુરા, સાબરમતી, ઘાટલોડિયા, કાલુપુર, નરોડા, શાહીબાગ, ગોતા, ઘાટલોડિયા, કાલુપુર સહિતના વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યાં હતા. ભર શિયાળે વરસાદ વરસતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ વરસ્યો હતો. આ કમોસમી માવઠાથી ખેડૂતોને ખેતરમાં ઉભા પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.