///

રાજ્યમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ, ક્યાંક દુકાનો બંધ તો ક્યાંક ટાયર સળગાવીને વિરોધ

નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં ખેડૂતોએ આજે આપેલા ભારત બંધની અસર રાજ્યમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં કોંગ્રેસ સહિતના ખેડૂત સંગઠનોએ બંધને સમર્થન આપ્યું છે, જ્યારે અનેક જગ્યાએ સામાજિક સંગઠનો પણ બંધમાં સામેલ થયા છે. ભારત બંધને પગલે રાજ્ય પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં ભારત બંધને આસોદર APMC માર્કેટ યાર્ડ, ગંજ બજાર,તમામ શોપિંગ સેન્ટરોના નાના-મોટા વેપારીઓએ દુકાનો બંધ રાખીને ટેકો આપ્યો છે. તો પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, પ્રદેશ પ્રધાન રફિક તિજોરીવાલા સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનોને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહ પરમારને સેન્ટોસા બંગલોઝ ખાતે સાંતેજ પોલીસે નજરકેદ કર્યા છે.

તો બીજી બાજુ સુરતના હીરા બજારમાં તેમજ વડોદરામાં દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે. જ્યારે એના વિરુદ્ધ મોરબીમાં ભારત બંધની નહીવત અસર જોવા મળી છે. અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલને નજરકેદ કરાયા છે. સાથે જ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. જોકે સુરતમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે.

આ ઉપરાંક સાણંદ-કંડલા હાઈવે પર ટાયર સળગાવી વિરોધ કરનારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. તો વેસ્ટર્ન રેલવે એમ્પ્લૉઈજ યુનિયન અમદાવાદ મંડળે પણ ખેડૂતોના ભારત બંધને સમર્થન આપ્યું છે. સુરતમાં ખેડૂત સમાજની ઓફિસ બંધ કરાવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને વિરોધ કરનારા તત્વોને રાઉન્ડ અપ કર્યા.

તો ભારત બંધની અસર વચ્ચે ભરૂચનું વડદલા APMC શાક માર્કેટ ધમધમતું છે. જ્યારે મહમદપુરા APMCની 500થી 700 દુકાનોના વેપારીઓએ બંધ પાળ્યું છે. સાથે જ ભરૂચના હાઇવે પર ટાયરો સળગાવીને રસ્તા રોકો આંદોલન કરાયું હતું. જેમાં ભરૂચ-દહેજને જોડતા માર્ગ સહિત નવેઠા-નંદલાવ ઓવરબ્રિજ પાસે ટાયરો સળગાવાયા હતા.

નોંધનીય છે કે, ખેડૂત સંગઠનોએ આપેલા ભારત બંધને કોંગ્રેસે પોતાનું સમર્થન આપ્યું છે. આ બંધને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને પોત-પોતાના મત વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.