////

આ નેતા બની શકે છે વિપક્ષ નેતા, છેલ્લા બે દિવસથી છે દિલ્હીમાં ધામા

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર કોંગ્રેસનો હાર થતા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાપદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. આ તકે ધાનાણીની જગાએ કોને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાશે તેની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અચાનક દિલ્હી ઉપડતાં ધાનણીને સ્થાને વસોયાને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાશે તેવી અટકળો શરૂ થઈ છે.

કોંગ્રેસના સૌરાષ્ટ્રના પાટીદાર નેતા અને ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ ગઈકાલે સોમવારથી દિલ્હીમાં ધામા નાંખ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને દિલ્હી બોલાવ્યા છે અને ધાનાણીની જગ્યાએ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે લલિત વસોયાની નિંમણૂકની જાહેરાત એક-બે દિવસમાં થશે તેવું કોંગ્રેસનાં સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.

પરેશ ધાનાણીની સાથે સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામું આપી દીધું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર લઇને દિલ્હી ઉપડી ગયાં છે.

રાજીનામાની વાતને સમર્થન આપતાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પેટાચૂંટણીના પરિણામ બાદ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી અને પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ છે. હવે હાઇકમાન્ડ જે નિર્ણય લે તે અમને માન્ય હશે.

પરેશ ધાનાણીના સ્થાને વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનાં નામ ચર્ચામાં હતાં પણ પાટીદારો નારાજ ન થાય એટલે લલિત વસોયાને આ હોદ્દો મળી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published.