////

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ CHC અને PHCને 1.50 કરોડની ગ્રાન્ટ ફાળવી

રાજ્યમાં કોરોનાનો કહેર હવે થોડો હળવો થઈ રહ્યો છે, ત્યારે કોરોના મહામારીને પહોંચી વળવા તેમજ અમરેલી જિલ્લાની પ્રજાને ઉત્તમ આરોગ્ય વિષયક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલી જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટ નાની-મોટી સરકારી કે ટ્રસ્ટ સંચાલિત કે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોને ફાળવી છે. પરંતુ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગ્રાન્ટ ફાળવી હોય તેવા પરેશ ધાનાણી કદાચ પ્રથમ ધારાસભ્ય છે.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલી જિલ્લાના આયોજન અધિકારીને આજે પત્ર લખીને દોઢ કરોડની ધારાસભ્યની ગ્રાન્ટ 10 સામૂહિક તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવી છે.

તેમણે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીને પહોંચી વળવા માટે અમરેલી જિલ્લાની પ્રજાને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે એમ્બ્યુલન્સ, વેન્ટીલેટર, ઓક્સિજન ડયૂરો ટેન્ક ( 500 લીટર ), બાયપેપ મશીન, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર (10 લીટરની ક્ષમતાવાળા ), એફએચએમસી મશીન, દર્દીઓ માટે બેડ, ઓક્સી ફલો મીટર, હયુમીડીફાયર, ઓક્સિજન રેગ્યુલેટર, ઓક્સિજન પ્લાન્ટ, હાઇ ફલો ઓક્સિજન થેરાપી ડીવાઇસ, મલ્ટીપેરા મોનીટર, લીકવીડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક ( 6000 લીટર ), પ્રેસર સ્વિંગ એડસોર્પ્શન ( પીએસએ ), ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક ( 500 તેમ જ 250 લીટર ) સહિત અન્ય સ્થાનિક જરૂરિયાત મુજબની આરોગ્યવિષયક અદ્યતન સાધનો/મશીનો ઉપલબ્ધ કરાવવાના કામે મારી ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવવા ભલામણ કરી છે.

મહત્વનું છે કે, કોરોનાની બીજી લહેરમાં બેડથી માંડીને એમ્બ્યુલન્સ તથા ઓક્સીજન ઉપરાંત ઇન્જેંકશનની ભારે અછત સર્જાઇ હતી. આ બાબતને નજર સમક્ષ રાખીને કોંગ્રેસ તરફથી ધારાસભ્યોને પુરેપુરી ગ્રાન્ટ પોતાના વિસ્તારમાં ફાળવવાની છૂટ આપવાની દાદ માંગતી હાઇકોર્ટમાં રીટ અરજી કરવામાં આવી હતી.

આ દરમિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક ધારાસભ્યોને મેડિકલ સાધનો માટે 50 લાખની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવા નિર્ણય કર્યો હતો. તેની સાથે ધારાસભ્યો પુરેપુરી ગ્રાન્ટ પણ ફાળવી શકશે તેવો નિર્ણય પણ જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.