/

PCBથી નારાજ થઇ મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટમાંથી નિવૃતિ જાહેર કરી

પાકિસ્તાનના સ્ટાર બોલર મોહમ્મદ આમિરએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. આમિર ટેસ્ટ ક્રિકેટને પહેલા જ અલવિદા કહી ચુક્યો છે, હવે તેણે અનિશ્ચિતકાળ સુધી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. તેના આ નિર્ણયે તમામને ચોંકાવી દીધા છે.

ટ્વિટર પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આમિરે PCB પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં આમિરે કહ્યું કે, હું ક્રિકેટ છોડી રહ્યો છું, મને નથી લાગતુ કે હું હાલના મેનેજમેન્ટની સાથે રમી શકુ છું. આમિરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટને માનસિક રીતે પરેશાન કરવાનો આરોપ લગાવતા કહ્યું, મને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે, અને હવે હું વધુ સહન કરી શકું તેમ નહીં. મેં 2013થી 2015 વચ્ચે ઘણું સહન કર્યુ છે અને તે સમયે જે પણ થયું મેં તેની સજા પણ ભોગવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, જે બે લોકોએ હંમેશા મારો સાથ આપ્યો છે તે છે સેઠી સાહેબ અને શાહિદ આફ્રિદી. કારણ કે બાકી ટીમ તે કહી રહી છે કે આમિરની સાથે રમવુ નથી. આ પ્રકારનો માહોલ બનાવવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, 17 વર્ષની ઉંમરમાં આમિરે 2009મા શ્રીલંકા વિરુદ્ધ વનડે અને ટેસ્ટમાં પર્દાપણ કર્યુ હતું. તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેણે ટી20 કરિયરની શરૂઆત કરી હતી. 28 વર્ષના આ ખેલાડીએ પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 વનડે અને 50 ટી20 મુકાબલા રમ્યા છે. તેણે કુલ 250 વિકેટ ઝડપી છે.

નોંધનીય છે કે, પાકિસ્તાન અને ભારતીય મીડિયામાં ચાલી રહેલા સમાચારો પ્રમાણે મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. હજુ સુધી આમિર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી નથી.

Leave a Reply

Your email address will not be published.