////

મોર્ડનાની કોરોના વેક્સિન અંતિમ ટ્રાયલમાં 94 % અસરકારક રહી હોવાનો કરાયો દાવો

કોરોના વેક્સિનને લઈને અમેરિકન કંપની મોર્ડનાએ જણાવ્યું હતું કે, કોરોનાથી બચાવનારી તેની રસી અંતિમ ટ્રાયલમાં 94 ટકા અસરકારક નિવડી છે. વિશ્વભરમાં કોરોનાના નવા કેસોમાં થતા વધારા વચ્ચે રાહતની વાત એ છે કે ઘણી કંપનીઓએ કોરોનાની રસી બનાવવાનો દાવો કર્યો છે. જેના સંદર્ભમાં વિશ્વની અગ્રણી ફાર્મા કંપનીઓ સ્પુટનિક અને ફાઇઝર પછી આમ વધુ એક કંપનીએ કોરોનાથી બચાવવા માટે એકદમ અસરકારક રસી બનાવવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે.

અમેરિકાની કંપની મોર્ડના હવે ઇમરજન્સી લાઇસન્સ માટે અમેરિકા, યુરોપ અને યુકેના સરકારી નિયમનકારોને તેની રસીના અંતિમ ટ્રાયલના પરિણામને મોકલવાના આખરી તબક્કામાં છે. આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, તેને આશા છે કે, અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન 17 ડિસેમ્બરે પોતાની બેઠકમાં તે રસીના ઉપયોગને મજૂરી આપી શકે છે.

આ ઉપરાંત મોર્ડનાના જણાવ્યા મુજબ બ્રિટનમાં તેમની રસી અંતિમ તબક્કામાં 94.5 ટકા સુધી અસરકારક રહી છે. છેલ્લા સપ્તાહમાં આવેલા પરિણામોથી ઉત્સાહિત કંપનીએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં માર્ચ 2021 સુધી રસીનો પુરવઠો પૂરો પાડવો શક્ય નહીં હોય. આ ઉપરાંત કંપનીને રસી બનાવવા માટે અમેરિકાની ફેડરલ ગવર્નમેન્ટે 2.48 અબજ ડોલરનું ફંડિંગ આપ્યું હતું.

મહત્વનું છે કે, દેશમાં પણ કોરોનાની રસી બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યુટમાં રસીની તૈયારીની સમીક્ષા કરી ચૂક્યા છે. આ અંગે માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં કોરોનાની રસીને લઈને સારા સમાચાર આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.