/////

દેશમાં મ્યુકોરમાઇકોસિસનો હાહાકાર, ગુજરાત સહિત 10 થી વધુ રાજ્યોએ જાહેર કરી મહામારી

કોરોના સંક્રમણની મહામારીનો સામનો કરી રહેલું ભારત હવે મ્યૂકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસની ઝપેટમાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં આ બીમારીએ હજારો લોકોને સંક્રમિત કર્યાં છે. અત્યાર સુધી હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત 14 રાજ્યોએ આ બીમારીને મહામારી જાહેર કરી છે.

બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. અહીં 2281 લોકો બ્લેક ફંગસનો શિકાર બન્યા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 2000 કેસ, આંધ્ર પ્રદેશમાં 910, મધ્યપ્રદેશમાં 720, રાજસ્થાનમાં 700, કર્ણાટકમાં 500, દિલ્હીમાં 197, યુપીમાં 124, તેલંગાણામાં 350, હરિયાણામાં 250, પશ્ચિમ બંગાળમાં 6 અને બિહારમાં 56 કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળના કોલકત્તામાં સારવાર દરમિયાન એક 32 વર્ષીય મહિલાનું બ્લેક ફંગસને કારણે નિધન થયું છે.

કોરોનાના દર્દીઓમાં બ્લેક ફંગસના વધતા કેસને જોતા હરિયાણા, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, યુપી, પંજાબ, ગુજરાત, તામિલનાડુ, રાજસ્થાન, ઓડિશા, બિહાર, ચંદીગઢ, ઉત્તરાખંડ, તેલંગાણા સહિત આશરે 14 રાજ્યોએ આ બીમારીને મહામારી જાહેર કરી છે.

તમને જણાવી દઈએ કે જે રાજ્ય કોઈ બીમારીને મહામારી જાહેર કરે છે તો પછી તેના કેસ, સારવાર, દવા અને બીમારીથી થનાર મોતનો હિસાબ રાખવાનો હોય છે. આ બધા મામલાનો રિપોર્ટ ચીફ મેડિકલ ઓફિસરને આપવો પડે છે. આ સિવાય કેન્દ્ર સરકાર અને ઈન્ડિયન કાઉન્સિલ ઓન મેડિકલ રિસર્ચ (ICMR) ની ગાઇડલાઇનનું પાલન કરવું પડે છે.

બીમારીમાં વધારા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, બ્લેક ફંગસથી ઉત્તપન્ન થતા રોગ મ્યૂકોરમાઇકોસિસની સારવારમાં કામ આવતી દવા એન્ફોટેરિસિન-બીના ઉત્પાદન માટે પાંચ અન્ય કંપનીઓને લાયસન્સ આપવામાં આવ્યા છે અને તે જુલાઈથી દર મહિને દવાની 1,11,000 બોટલનું ઉત્પાદન શરૂ કરી દેશે.

કેન્દ્રએ મ્યૂકોરમાઇકોસિસના પ્રસારને ચિંતાનું કારણ જણાવતા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તે ફંગસ સંક્રમણ રોકવાની પોતાની તૈયારીઓ અને હોસ્પિટલમાં સારવાર અને સ્વચ્છતાની સમીક્ષા કરે.

Leave a Reply

Your email address will not be published.