///

રાજ્યમાં માત્ર 48 કલાકમાં 10 હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરાયા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે.

કોરોના સંક્રમણની આ વિકટ સ્થિતીમાં ગામડાંઓમાં કોરોના સંક્રમણ વધે નહિ તેમજ ગામોમાં વસતા નાગરિકો, પરિવારો કોરોનાથી મુકત સ્વસ્થ રહે તે માટે આ અભિયાન રાજ્યભરમાં એક પખવાડિયા દરમ્યાન લોકભાગીદારીથી પ્રેરિત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ આ અભિયાનનો પ્રારંભ કરાવતાં ગ્રામજનોને પોતાના ગામમાં કોરોનાના અતિ સામાન્ય લક્ષણો ધરાવતા વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટર ગ્રામ્યસ્તરે શરૂ કરી ત્યાં સારવાર-આઇસોલેશન માટે ગામે ગામ લોકભાગીદારીથી કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવાનું આહવાન કર્યુ હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ આહવાનનો મારૂં ગામ –કોરોનામુકત ગામ અભિયાનના શરૂ થયાના માત્ર ૪૮ કલાક એટલે કે બે જ દિવસમાં ઉત્સાહજનક પ્રતિસાદ મળતાં રાજ્યના ર૪૮ તાલુકાની ૧૪,ર૪૬ ગ્રામ પંચાયતોમાં ૧૦ હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ ગયા છે. આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં કુલ ૧ લાખ પ હજારથી વધુ બેડની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપિલ કરી હતી.

એટલું જ નહિ, આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાન્ડર્ડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન પણ તેમણે કર્યુ હતું.

ગ્રામીણ કક્ષાએ કોરોના મુકત ગામ બને સાથોસાથ ગામમાં શરદી, તાવ, ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા અને પોતાના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય તેવા ગ્રામજનોને આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં ભોજન-આવાસ, સ્ટાન્ડર્ડ દવાઓ, આયુર્વેદીક ઊકાળા તેમજ પલ્સ ઓકસીમીટર, થર્મોમીટર જેવી પાયાની આરોગ્ય સુવિધાઓ સાથે આઇસોલેશનમાં અલગ રાખવા પણ તેમણે અપીલ કરી હતી.

આ અપીલને પગલે ગ્રામ્ય કક્ષાએ સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન જેવા બિલ્ડીંગ સ્થળોનો ઉપયોગ કરીને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તાલુકા વિકાસ અધિકારી અને ગામના અગ્રણીઓની ૧૦ વ્યક્તિઓની સમિતિને લોકભાગીદારીથી જોડી વધુને વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે.

તદઅનુસાર, રાજ્યના ગ્રામ વિકાસ વિભાગે ૩૩ જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ તંત્ર વાહકોને પ્રેરિત કરીને આ અભિયાન શરૂ થયાના માત્ર ૪૮ કલાકમાં જ ર૪૬ તાલુકામાં ૧૦,૩૨૦ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરીને ૧ લાખ પાંચ હજારથી વધુ બેડની સુવિધાઓ જરૂરતમંદ ગ્રામીણ નાગરિકો માટે ઊભી કરી દીધી છે. આ ૧૦,૩ર૦ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમાં ૮૩ સેન્ટર્સમાં ૧૨૪૨ બેડ માંડીને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ૮૯૭ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૬૪૦૦ પથારીની સુવિધા સાથે ઊભા કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને રહેવા-જમવા સારવારની સુવિધાથી તેમને અન્યોથી અલગ તારવીને ગામમાં કોરોના ફેલાતો અટકાવી મારૂ; ગામ કોરોના મુકત ગામનો જે કોલ આપેલો છે તે આવા મોટા પાયે શરૂ થઇ રહેલાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સથી સાકાર થશે.

કોરોનાની આ બીજી લ્હેરનો આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના માધ્યમથી સમગ્ર ગુજરાતની ગ્રામીણ જનશક્તિ પૂરી સજ્જતા-સર્તકતાથી મુકાબલો કરી ‘‘કોરોના હારશે-ગુજરાત જીતશે નો સંકલ્પ પાર પાડશે. સાથોસાથ મારું ગામ કોરોનામુકત ગામનું આ અભિયાન ગ્રામ્ય સ્તરે કોરોના મુકિતનું જનઆંદોલન પણ બનશે.

Leave a Reply

Your email address will not be published.