////

વિશ્વમાં 7 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત, અમેરિકાની સ્થિતિ વધુ દયનીય

કોરોના વાઇરસે વિશ્વ આખાને પોતાના ભરડામાં લીધુ છે. વિશ્વભરમાં 7.62 કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે 16.84 લાખથી વધુ લોકોના મોત નિપજ્યાં છે.

આ તકે અમેરિકામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં નવા ચાર લાખથી વધુ કેસ સામે આવ્યા છે. તો એક દિવસમાં 2500થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. અમેરિકામાં અત્યાર સુધી 1.76 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે 3,16,144 લોકોના મોત નિપજ્યાં છે.

ભારત અમેરિકા બાદ સંક્રમણની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો દેશ છે, જ્યાં પણ સંક્રમિતોની સંખ્યા એક કરોડને પાર થઈ છે. પરંતુ ભારતમાં સારા સમાચાર એ છે કે અહીં સ્વસ્થ થવાનો દર્દીઓનો આંકડો 96 લાખની નજીક પહોંચી ગયો છે. નવા કેસની તુલનાએ સાજા થનારાની સંખ્યા વધુ રહેવાથી એક્ટિવ કેસ ઘટીને 3.05 ટકા રહી ગયા છે. ભારતમાં આ મહામારીથી 1,45,477 લોકોના મોત નિપજ્યાં છે. ભારતમાં દર્દીઓને સાજા થવાનો દર 95.51 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર 1.45 ટકા છે.

પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીથી 80 લોકોના મોત નિપજ્યાં છે. આ સાથે મૃતકોનો આંકડો 9330 પર પહોંચ્યોં છે. એક રિપોર્ટ મુજબ પાકમાં છેલ્લા 24 કલાકમાં 2,615 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 4,57,288 પર પહોંચી છે. પાકના રાષ્ટ્રીય કમાન અને ઓપરેશન સેન્ટર (NCOC) પ્રમાણે હાલના સમયમાં દેશમાં સંક્રમણ દર 7.02 ટકા છે. પાકિસ્તાનમાં સક્રિય કેસની સંખ્યા 40,553 છે.

નેપાળમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. નેપાળમાં કોરોનાના 710 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ કુલ કેસની સંખ્યા વધીને 2,53,184 થઈ ગઇ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4780 ટેસ્ટ થયા હતાં. અહીં છેલ્લા 24 કલાકમાં વધુ 12 દર્દીના મોત નિપજ્યાં છે. આ સાથે કુલ મૃત્યુઆંકની સંખ્યા 1777 થઈ ગઇ છે. નેપાળમાં 8840 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. નેપાળમાં અત્યાર સુધી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 2,42,567 પર પહોંચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.