////

ભાજપને ઝટકો, સાંસદ સૌમિત્ર ખાનના પત્નિ TMCમાં સામેલ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના પ્રવાસ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા શુવેંદુ અધિકારી ભાજપમાં સામેલ થયા હતાં. આ તકે અમિત શાહના પ્રવાસના બીજા દિવસે જ ભાજપને ઝટકો લાગ્યો છે. બંગાળના ભાજપના સાંસદ સૌમિત્ર ખાનના પત્ની સુજાતા મંડલ ખાન ભાજપ છોડી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. સૌમિત્ર ખાન બંગાળમાં ભાજપ યુવા મોર્ચાના અધ્યક્ષ પણ છે.

સુજાતા મંડલ ખાનની પાર્ટીમાં આગેવાની તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રાય અને પ્રવક્તા કૃણાલ ઘોષે કરી હતી. પાર્ટીમાં સામેલ થયા બાદ સુજાતા ખાને કહ્યુ, “મે રાજ્યમાં પાર્ટીને ઉપર લઇ આવવાનું કામ કર્યુ હતું. પરંતુ હવે ભાજપમાં કોઇ સમ્માન નથી. એક મહિલા હોવાને કારણે મારી માટે પાર્ટીમાં રહેવુ મુશ્કેલ હતું.” આ આખા ઘટનાક્રમ પર હજુ સુધી સૌમિત્ર ખાનની પ્રતિક્રિયા સામે આવી નથી.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ વિધાનસભા ચૂંટણીમાં બે અંક સુધી પણ નહી પહોચી શકે. જો ભાજપ બે અંક સુધી પહોચવામાં સફળ થયુ તો તે પોતાનું કામ છોડી દેશે. પ્રશાંત કિશોરના પ્રહાર બાદ ભાજપના બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે પલટવાર કર્યો હતો. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી પછી દેશમાંથી વધુ એક ચૂંટણી રણનીતિકાર ઓછો થશે.

મહત્વપૂર્ણ છે કે પ્રશાંત કિશોરનું આ નિવેદન ગૃહપ્રધાન અમિત શાહના બે દિવસના બંગાળ પ્રવાસ બાદ સામે આવ્યું હતું. ગઇકાલે બંગાળ પ્રવાસના અંતિમ દિવસે અમિત શાહે પત્રકાર પરિષદ કરી કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી સુધી મમતા બેનરજી એકલા રહી જશે, તેમણે ભાજપને સત્તા મળવા પર પાંચ વર્ષમાં સોનાર બાંગ્લા એટલે કે સોના જેવુ બંગાળ બનાવવાની વાત કહી હતી. મહત્વપૂર્ણ છે કે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.