////

રાજ્યના આ શહેરમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર વધ્યો, 500થી વધુ દર્દી સારવાર હેઠળ

રાજ્યમાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસનો ખતરો વધ્યો છે, ત્યારે રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસે કહેર મચાવ્યો છે. દેશભરમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ રાજકોટમાં નોંધાયા છે. હાલ રાજકોટ સિવિલમાં 500થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આા રોગ સામે બાથ ભીડવા સિવિલના ત્રણ ઇએનટી સર્જન, એનેસ્થેસિયા, પ્લાસ્ટિક સર્જન, આખના સર્જન સહિતની ટીમો ખડેપગે છે.

દરરોજ 30 નવા દર્દીઓ સરેરાશ દાખલ થઇ રહ્યા છે. 500 બેડની હોસ્પિટલ હાઉસફુલ થતા હવે સમરસ હોસ્ટેલ ખાતે દર્દીઓને ખસેડવામાં આવશે. આજે 7 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

મ્યુકોરમાઈકોસિસની ગંભીરતા વચ્ચે એક સારા સમાચાર કહી શકાય કે પ્રથમ વાર મ્યુકોરમાઈકોસિસના 7 જેટલા દર્દીઓને આજે સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં હાલ 400થી વધુ દર્દીઓ મ્યુકોરમાઈકોસિસની સારવાર લઈ રહ્યા છે. દરરોજ 15 દર્દીઓની સર્જરી કરવામાં આવી રહી છે અને દરરોજ 30 જેટલા દર્દીઓની ઓપીડી આવી રહી છે. આ બધા વચ્ચે આજે પ્રથમ વખત સિવિલ હોસ્પિટલમાંથી 7 દર્દીઓને રજા આપવામાં આવશે.

મ્યુકોરમાઈકોસિસની સારવાર લઈ રહેલા સાત જેટલા દર્દીઓને સર્જરી સહિતની સારવાર કરવામાં આવી હતી અને સારવાર કારગત નીવડી હતી અને તેમની તબિયતમાં સુધારો નોંધાતા આ તમામ દર્દીઓને આજે સાંજ સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે. આ દર્દીઓને ઘરમાં પુરતી સાવધાની રાખવા અને જરૂર પડ્યે હોસ્પિટલમાં આવવાની સુચના આપવામાં આવશે. મ્યુકોરમાઈકોસિસની સારવાર ખુબ જ લાંબી હોવાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધતા બેડ ફુલ થવા લાગ્યા છે.

ત્યારે હવે ડિસ્ચાર્જ પોલીસીમાં સુધારો આવ્યો હોવાથી આઠ દિવસમાં યોગ્ય સારવાર આપવા બાદ રજા આપવામાં આવશે અને સિવિલમાં દર્દીઓની સંખ્યા ફુલ થઈ જતા સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરનો એક માળ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યો છે અને સિવિલમાં ઓપરેશન બાદ હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને સમરસ હોસ્ટેલમાં ખસેડવાનું શરુ કરાયું છે.

મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ સિવિલમાં વધવા લાગતા ઈએનટી સર્જનોની ત્રણ ટીમ દ્વારા 24 કલાક ઓપરેશન કરવાની કામગીરી થઈ રહી છે. ત્રણ ટેબલ ઉપર ઓપરેશન થઈ રહ્યા છે છતાં ઓપરેશન માટે દર્દીઓનું લાંબુ વેઈટીંગ હોવાથી સિવિલ અધિક્ષક દ્વારા ઓપરેશનના ટેબલ વધારવા 20 લાખના સાધનોની ખરીદી માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. સિવિલમાં છેલ્લા 21 દિવસમાં 150 સર્જરી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.