///

મુકેશ અંબાણીએ કરી જાહેરાત, રિલાયન્સ Jio 5G સર્વિસ લૉન્ચ કરશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ Jio 5G સર્વિસને લઈને જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ મંગળવારે જાહેરાત કરી છે કે, રિલાયન્સ Jioએ વર્ષ 2021ના સેકન્ડ હાફમાં દેશમાં પોતાની 5G સર્વિસ લૉન્ચ કરશે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે, દેશમાં 5G સર્વિસને શરૂ કરવા અને તેને વ્યાપક રીતે પૂરી પાડવા માટે નીતિઓની જરૂરત છે.

આ અંગે અંબાણીએ જણાવ્યું કે, ભારતમાં 5G ક્રાંતિમાં Jio સૌથી આગળ હશે અને 2021ના બીજા 6 મહિનામાં અમે અમારી 5G સર્વિસ લૉન્ચ કરીશું. સ્થાનિક સ્તરે વિક્સિત નેટવર્ક, હાર્ડવેર અને ટેક્નોલૉજી ઉપકરણોનો તેમાં ઉપયોગ કરવામાં આવશે. Jio 5Gની સર્વિસ આત્મનિર્ભર ભારતની દિશામાં ભરવામાં આવેલ અત્યાર સુધીનું મોટું પગલું હશે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારતમાં 30 કરોડ ફોનના યુઝર્સ હજુ પણ 2G નેટવર્કમાં જ અટાવાયેલા છે. તેમને સ્માર્ટફોન વાપરતા કરવા માટે યોગ્ય પગલા ભરવાની જરૂરત છે. જેથી તેઓ પણ ડિજિટલ ક્રાંતિની આ યાત્રામાં સામેલ થઈ શકે. આજે ભારત વિશ્વના બેસ્ટ ડિજિટલી કનેક્ટેડ દેશોમાં સામેલ છે, પરંતુ અહીં 30 કરોડ ફોન યુઝર્સ હજુ પણ 2G નેટવર્ક વાપરી રહ્યાં છે. તેમને સ્માર્ટફોનની દુનિયામાં લાવવા જરૂરી છે, જેથી તેઓ ડિજિટલ લેવડ-દેવડ કરવામાં સક્ષમ બની શકે. આપણે મોટા પાયે આયાત પર નિર્ભર ના રહી શકીએ.

તેમણે વધુમાં કહ્યું કે, ભારત વિશ્વના ટૉપ ડિજિટલી કનેક્ટ દેશોમાંથી એક છે. એવામાં લીડને યથાવત રાખવા માટે જલ્દી 5G સર્વિસ લાવવા માટે પૉલિસી સ્ટેપ્સ પર કામ કરવું પડશે. ભારતે ચિપ ડિઝાઈનમાં વર્લ્ડ ક્લાસ સ્ટ્રેન્થ બનાવી લીધી છે. હું ભારતને સ્ટેટ ઑફ ધી આર્ટ સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝનું હબ બનતા જોઈ રહ્યો છું.

આ ઉપરાંત મુકેશ અંબાણીએ રિલાયન્સ Jioની સિદ્ધીઓ વિશે જણાવતા કહ્યું કે, 20 સ્ટાર્ટઅપ પાર્ટનર્સ છે, જે વર્લ્ડ ક્લાસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્લાઉડ કૉમ્પ્યુટિંગ , બિગ ડેટા, મશીન લર્નિંગ, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ, ફાઈનાન્સિયલ સર્વિસ અને ન્યૂ કૉમર્સના સેક્ટરમાં કામ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ચોથુ વર્ષ છે, પરંતુ આ વખતે આ ઈવેન્ટ કોરોના વાઈરસના કારણે વર્ચ્યુઅલ રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.