/

હત્યા કરી મૃતદેહને દિવાલમાં ચણી દેવાયો, 5 વર્ષે ભેદ ઉકેલાયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મકાનમાં દિવાલમાં ચણી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો છે. પાંચ વર્ષ પહેલાની આ ઘટના સામે આવતા પોલીસ પણ દોડતી થઈ છે. પોલીસે મામલતદાર અને એફએસએલની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સુરત પોલીસના એફ ડિવિઝનના એસીપી જે કે પંડ્યાના જણાવ્યાં અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારની આશાપુરી સોસાયટીના વિભાગ-3માં આવેલા એક મકાનમાં શિવમ ઉર્ફે કિશન નામના વ્યક્તિની હત્યા કરી તેનો મૃતદેહ દિવાલમાં ચણી દેવામાં આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી.

પાંડેસરા પોલીસે બાતમીના આધારે કિશનના મૃતદેહને બહાર કાઢવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. જે જગ્યા પર મૃતદેહ ચણ્યો હતો ત્યાં મૃતદેહનો કંકાલ મળી આવ્યો હતો. આ હત્યા વર્ષ 2015માં દિવાળી પહેલા કરવામાં આવી હતી. હાલ આ હત્યા રાજુ નામના વ્યક્તિએ કરી હોવાની માહિતી છે, જેને પકડવા માટે પોલીસે કામગીરી શરૂ કરી છે. કિશનના મૃતદેહને મામલતદાર અને એફએસએલના અધિકારીઓની હાજરીમાં બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલેલો છે.

મહત્વનું છે કે શિવમ ઉર્ફે કિશનનો મૃતદેહ મળ્યો હોવાની જાણ થતાં તેનો પરિવાર પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં રાજુ નામના વ્યક્તિ પર શિવમની હત્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, પોલીસના ચોપડે રાજુ પર દારૂના 30થી વધુ કેસ નોંધાયા છે.

શિવમ ઉર્ફે કિશન છેલ્લા કેટલાક વર્ષોથી ગુમ હતો, જોકે હત્યા રાજુએ જ કરી હોવાની માહિતી પોલીસને મળી હતી. રાજુ હાલમાં જ જેલમાંથી છૂટ્યો હોવાની પોલીસને બાતમી મળતાં તેની ફરી લઇ આવી પોલીસે પૂછપરછ કરી હતી, જેમાં તેને શિવમની હત્યા કરી મૃતદેહ દિવાલમાં ચણી દેવાની કબૂલાત કરી હતી. જોકે આ હત્યામાં અન્ય કોઈ સામેલ છે કે નહીં અને હત્યા કરવાનું કારણ શું હતું તે પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.