///

નાંદોદ MLA એ સરકારને ઘેરી, નીતિન પટેલને સવાલ કર્યો- SOU ને જોડતો રસ્તો ઉબડખાબડ કેમ?

ગુજરાત વિધાનસભા સત્રમાં નાંદોદ MLA પી.ડી.વસાવાએ વિકાસના મુદ્દે સરકારનો ઘેરાવો કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બસ સેવાના અભાવે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે તો એનો જવાબદાર કોણ. પી.ડી.વસાવાએ નીતિન પટેલને પૂછ્યું હતું કે, SOU ને જોડતો રસ્તો ઉબડખાબડ કેમ છે.

ગુજરાત વિધાનસભા સત્રમાં નાંદોદ MLA પી.ડી.વસાવાએ વિકાસ મુદ્દે સરકારનો ઘેરાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યું છે. પ્રાથમિક શાળામાં પૂરતા શિક્ષકો અને યોગ્ય સુવિધાઓ ન હોવાને કારણે પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યું છે. ગુણવત્તાવાળુ પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી ગુજરાત સરકારની છે. મારે દુઃખ સાથે એમ કહેવું પડે છે કે યોગ્ય બસની સગવડો ન હોવાને લીધે માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસ અર્થે પહોંચી શકતા નથી, પરિણામે એમનું શિક્ષણ બગડે છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બસોની ફાળવણી થવી જોઈએ.

નાંદોદ MLA પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે, આ વખતના બજેટમાં સરકારે 11 લાખ બસ પાસની અને સાથે સાથે 1000 નવી બસોની પણ જોગવાઈ કરી છે. એમાંથી 25-30 બસો જો નર્મદા જિલ્લામાં ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે નહિ. હું જ્યારે મારા મત વિસ્તારના પ્રવાસે જાઉં છું ત્યારે હું જોઉં છું કે બસના અભાવે વિદ્યાર્થીનીઓના વાલીને શાળા છૂટ્યા બાદ પોતાની દીકરીને શાળા સુધી લેવા આવવું પડે છે. પ્રાથમિક શાળામાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોના અભાવે બાળકોમાં ટેલેન્ટનો વિકાસ થઈ શકતો નથી.

તેમણે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે અહીંયા પોલીટેકનીક કોલેજ નથી, છેલ્લા 10 વર્ષથી નર્મદા જિલ્લાની પોલીટેકનીક કોલેજ ભરૂચમાં ચાલે છે એ કોલેજ નર્મદામાં ક્યારે આવશે એ શિક્ષણ મંત્રી મને જણાવે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો અંકલેશ્વરથી રાજપીપળા સુધીનો અમુક રસ્તો ઉબડખાબડ છે, કેટલી વાર રજૂઆતો છતાં કેમ બનતો નથી એ નીતિન પટેલ મને જણાવે. ચાણોદ-પોઈચા પુલ વર્ષમાં 2-3 વાર તો રીપેરીંગ થાય છે, એક નવો પુલ બને એટલો તો ખર્ચ પુલના રીપેરીંગ પાછળ ખર્ચો થયો છે, ત્યારે મારી માગ છે કે એ પુલની બાજુમાં એક નવો પુલ સરકાર બનાવે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના 70 ગામોને હાલમાં પણ સિંચાઈ માટે પાણી મળતું નથી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર યોજના સ્થાનિકો માટે આફત સમાન બની ગઈ છે. ગુજરાત રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઉદવહન યોજના હેઠળ સિંચાઈ માટે પાણી પૂરું પડાય છે, તો નર્મદા જિલ્લાના આ 70 ગામોને પણ ઉદવહન યોજના હેઠળ સિંચાઈ અને પીવાનું પાણી અપાય તો ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને.

Leave a Reply

Your email address will not be published.