////

આસારામની સારવાર માટે નારાયણ સાંઇએ 20 દિવસના જામીન માગ્યા

સુરતની પરીણિતા સાથે દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા નારાયણ સાંઇએ ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાથી સંક્રમિત આસારામની સેવા કરવા માટે 20 દિવસના જામીન માંગ્યા છે.

નારાયણ સાંઇએ જામીન મેળવવા માટે રજૂઆત કરી છે કે, આસારામને એલોપથી દવાથી મૃત્યુ નીપજી શકે છે તેથી આયુર્વેદિક દવાઓથી તેમની સારવાર કરવાની હોવાથી 20 દિવસના જામીન મંજૂર કરવા જોઇએ. નારાયણ સાંઇની જામીન અરજી પર વધુ સુનાવણી 26મેએ હાથ ધરાશે.

નારાયણ સાંઇ અને આસારામ પિતા-પુત્રએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. બન્નેનું જામીન માંગવાનું કારણ એક હોવા છતા તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. આસારામે હાઇકોર્ટમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરવા માટે જામીન માંગ્યા છે.

તો બીજી બાજુ નારાયણ સાંઇએ તેની જામીન અરજીમાં એવી રજૂઆત કરી છે કે, આસારામને એલોપથી સારવારથી મોત થઇ શકે છે તેથી આયુર્વેદિક સારવાર કરવાની છે અને સેવા કરવા 20 દિવસના જામીન આપવામાં આવે.

મહત્વનું છે કે, આસારામની જોધપુરની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે, આસારામે રાજસ્થાનની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જોકે, તેમની જામીન અરજીને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.