///

કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને લખ્યો 8 પેજનો પત્ર

કૃષિ કાયદાના વિરોધ વચ્ચે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે દેશના ખેડૂતોને પત્ર લખ્યો છે. 8 પેજના પત્રમાં તોમરે ખેડૂતોને આઠ આશ્વાસન આપ્યા છે. તેઓએ કહ્યું કે, સરકાર MSP પર લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર છે. તેઓએ ફરી એકવાર સ્પષ્ટ કર્યુ કે, એમએસપી યથાવત છે અને જારી રહેશે. કૃષિ પ્રધાને તે પણ કહ્યું કે, રાજનીતિ માટે કેટલાક લોકો જૂઠ ફેલાવી રહ્યાં છે.

નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના મંત્ર પર ચાલતા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમારી સરકાર કોઈ ભેદભાવ વગર તમામનું હિત કરવાનો પ્રયાસ કરે છે. છેલ્લા છ વર્ષનો ઈતિહાસ તેનો પૂરાવો છે.

કૃષિ પ્રધાને આગળ કહ્યું કે, તમે વિશ્વાસ રાખો, કિસાનોના હિતમાં કરવામાં આવેલા આ સુધાર ભારતીય કૃષિમાં નવા અધ્યાયનો પાયો બનશે. દેશના ખેડૂતોને વધુ સ્વતંત્ર કરશે, સશક્ત કરશે. તેઓએ વધુમાં આગળ કહ્યું કે, કેટલાક ખેડૂત સમૂહોએ અફવા અને ખોટી સૂચના ફેલાવી છે. તેને દૂર કરવાનું મારૂ કામ છે.

નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને પત્ર ત્યારે લખ્યો છે જ્યારે સરકાર અને દિલ્હી બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતો વચ્ચે ચર્ચા રોકાયેલી છે. દિલ્હીની સરહદો પર 22 દિવસથી ખેડૂત કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતોની માગ છે કે સરકાર ત્રણેય કૃષિ કાયદાને પરત લે. તો સરકારે ખેડૂતોને સંશોધનનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને ઠુકરાવી દેવામાં આવ્યો છે. પાંચ રાઉન્ડની ચર્ચા અસફળ રહ્યાં બાદ સરકાર અને ખેડૂતોમાં હાલ વાતચીત ઠપ્પ છે.

કેન્દ્રીય પ્રધાન તોમરે પત્રમાં લખ્યું કે, રેલવેના પાટા પર બેસેલા લોકો, જેના કારણે દેશની સરહદોની રક્ષા કરનાર અમારા સૈનિકો સુધી રાશન પહોંચવાનું બંધ થઈ ગયું છે, તે કિસાન ન હોઈ શકે. કૃષિ પ્રધાને પત્રમાં લખ્યુ કે, ઐતિહાસિક કૃષિ સુધારને લઈને છેલ્લા કેટલાક દિવસમાં હું સતત તમારા સંપર્કમાં છું. પાછલા દિવસોમાં મારી અનેક રાજ્યોના ખેડૂત સંગઠનો સાથે વાત થઈ. ઘણા ખેડૂત સંગઠનોએ આ કૃષિ સુધારાનું સ્વાગત કર્યુ છે, તે તેનાથી ખુબ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published.