ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાનું આજે મંગળવારે સવારે 9 કલાકની આસપાસ નિધન થયું હતું. નરેશ કનોડિયાને કોરોના પોઝિટિવ આવતા શહેરની યુ.એન. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે દરમિયાનમાં અભિનેતાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. ત્યારે 77 વર્ષની ઉંમરે અભિનેતાએ આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતાં.
અભિનેતા નરેશ કનોડિયાને કોરોના પોઝિટિવ હોવાના કારણે તેમનો નશ્વર દેહને હોસ્પિટલથી સીધો ગાંધીનગર સેકટર 30 સ્મશાનગૃહમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં.
ઉલ્લેખનીય છે વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી પીઢ અભિનેતા નરેશ કનોડિયાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. બે દિવસ અગાઉ જ નરેશ કનોડિયાના ભાઇ મહેશ કનોડિયાનું 83 વર્ષની ઉંમરે નિધન થયું હતું.