/

નર્મદા: ગેરકાયદેસર ખનન સામે તંત્રની લાલ આંખ, ડ્રોનથી સર્વે હાથ ધરાયો

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હાલ અન્ય પ્રોજેક્ટોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આ નિર્માણ કાર્યની આડમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો અગાઉ ઉઠી હતી. ત્યારે ગેરકાયદેસર ખનનથી સરકારને જ મોટું નુકસાન જઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠતા ગેરકાયદેર ખનન સામે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે.

નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન બાબતે ગાંધીનગરથી અલગ-અલગ ટીમો દ્વારા ડ્રોનથી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં તંત્રની આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ચાલતી વિવિધ ક્વોરીમાં બ્લાસ્ટિંગથી સરકાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાને નુકશાન થઈ રહ્યું હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. આ બાબતે ખાણ ખનીજ વિભાગે ક્વોરીઓમાં આકસ્મિક વિઝીટ કરી સર્વે હાથ ધરી નિયમ મુજબ ખાણકામ કરવા ક્વોરી માલિકોને કડક સૂચનાઓ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત નર્મદા જિલ્લામાંથી રાત્રી દરમિયાન આડેધડ ઓવર લોડેડ ટ્રકો પસાર થતી હોવાથી અકસ્માતના અનેક બનાવો બનવા પામ્યા હતા, જેથી લોકોમાં રોષ ફેલાયો હતો. આ બનાવો અટકાવવા ખાણ ખનીજ વિભાગે આકસ્મિક ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં છેલ્લા 2 મહિના દરમિયાન 15 જેટલા ઓવર લોડ વાહનો જપ્ત કરી એમની પાસેથી 17.67 લાખ જેટલો દંડ પણ વસુલ કર્યો હતો.

નોંધનીય છે કે, ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાની દિશા કમિટીની એક બેઠકમાં રાત્રી દરમિયાન રાજપીપળા વિસ્તાર માંથી ઓવરલોડેડ ટ્રકોને પસાર થતી રોકવા તાકીદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.