///

ખેડૂત આંદોલન વચ્ચે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ મનાવાઈ રહ્યો છે

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન યથાવત જ છે, ત્યારે ચાલુ વર્ષે ખેડૂત આંદોલન વચ્ચે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 28 દિવસોથી ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે.

ત્યારે કેન્દ્ર સરકારનું માનવું છે કે, આ ત્રણ કાયદા ખેડૂતોના હિતમાં છે. જેનાથી મધ્યસ્થી દલાલો ખતમ થઈ જશે અને ખેડૂતોને આવકમાં વધારો થશે. તો બીજી તરફ ખેડૂતો આ ત્રણેય કાયદાઓ રદ્દ કરવાની માંગ પર મક્કમ છે. ત્યારે આ વચ્ચે બુધવારે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, દરવર્ષે 23 ડિસેમ્બરે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિવસ પર રાષ્ટ્રીય કિસાન દિવસ મનાવવામાં આવે છે. ચૌધરી ચરણસિંહના કારણે દેશમાં જમીનદારી પ્રથાનો અંત આવ્યો હતો. તેઓ દેશના જાણીતા ખેડૂત હતા, જેમનું રાષ્ટ્રીય રાજનીતિમાં મહત્વનું યોગદાન હતું.

રાષ્ટ્રીય કિસાન દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2001માં થઈ હતી. ચૌધરી ચરણસિંહ દ્વારા તૈયાર કરવામાં આવેલા જમીનદારી ઉન્મૂલન કાયદાના કારણે જ ઉત્તર પ્રદેશમાં 1 જુલાઈ 1952ના જમીનદારી પ્રથાનો અંત આવ્યો હતો અને ગરીબોને તેમનો અધિકાર મળ્યો હતો.

ચૌધરી ચરણ સિંહે વર્ષ 1954માં ખેડૂતો માટે ઉત્તર પ્રદેશ ભૂમિ સંરક્ષણ કાયદો પસાર કરાવ્યો અને 3 એપ્રિલ 1967ના તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યારબાદ 17 એપ્રિલ 1968માં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપતા રાજ્યમાં ફરીથી ચૂંટણી યોજાઈ હતી. જેમાં તેમણે જીત મેળવતા તેઓ 17 ફેબ્રુઆરી 1970ના રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા.

નોંધનીય છે કે, છેલ્લા 28 દિવસોથી ખેડૂતો સતત આંદોલન કરી રહ્યાં છે અને કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ પર મક્કમ છે. હવે ખેડૂતો કેન્દ્ર સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરવાની તૈયારીમાં છે. ખેડૂત નેતાઓએ ઈંગ્લેન્ડના સાંસદોને પત્ર લખીને અપીલ કરી છે કે, તેઓ પોતાના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનને ખેડૂતોના સમર્થનમાં ભારતીય પ્રજાસત્તાક દિવસના સમારોહમાં સામેલ થતા અટકાવે.

Leave a Reply

Your email address will not be published.