સુશાંત સિંહ રાજપૂતના આપઘાત સાથે જોડાયેલા ડ્રગ્સ કનેક્શન કેસની તપાસ કરી રહેલા NCBને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં NCBએ મુંબઇના અંધેરી વિસ્તારમાં રેડ કર્યા બાદ એક મોટા ડ્રગ્સ પૈડલર રીગલ મહાકાલની ધરપકડ કરી છે. NCBના અધિકારીઓને મોટી સંખ્યામાં ડ્રગ્સ અને કેશ મળી આવ્યું છે.
NCB દ્વારા કરવામાં આવેલી રેડમાં 5 કિલો મનાલા ક્રીમ નામની ડ્રગ્સ ઝડપાઈ છે. મનાલા ક્રીમ ડ્રગ્સના નશાની ટેવ ધરાવતા વિદેશીઓની પ્રથમ પસંદ હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 2.50 કરોડ રૂપિયા છે. આ સિવાય 13 લાખ રૂપિયા પણ મળ્યા છે. આ અંગે સુત્રો અનુસાર મળતી માહિતી પ્રમાણે, પૈડલર રીગલ મહાકાલ અનુજ કેશવાનીને ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને કેશવાનીએ રિયા ચક્રવર્તીને તેની સપ્લાય કરી હતી. આ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે, રીગલ મહાકાલ કેટલીક વખત રિયા ચક્રવર્તીને ડાયરેક્ટ સપ્લાય પણ કરી ચુક્યો છે. NCBની ટીમ આઝમ ખાન નામના ડ્રગ્સ સપ્લાયરના ઘરમાં રેડ કરી રહી છે.
બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ NCB સતત પોતાની કાર્યવાહીમાં જોડાયેલી છે. તાજેતરમાં જ NCBની ટીમે કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના ઘરે રેડ કરી હતી. NCBએ ભારતીના પ્રોડક્શન હાઉસ પર પણ રેડ કરી હતી. જેમાં બન્ને જગ્યાએથી 86.5 ગ્રામ ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે ભારતી અને હર્ષે ગાંજા લેવાની વાત માની હતી, ત્યારબાદ ભારતીની ધરપકડ કરવામાં આવી હતી અને હર્ષની પૂછપરછ કરવામાં આવી હતી. હાલમાં ભારતી જામીન પર બહાર છે.
મહત્વનું છે કે, ડ્રગ્સ કેસમાં NCBએ અત્યાર સુધી કેટલાક મોટા ખુલાસા કર્યા છે. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી જેલમાં પણ રહી ચુક્યા છે પરંતુ અત્યારે તે જામીન પર બહાર છે. આ કેસમાં અર્જૂન રામપાલ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સહિત બોલિવૂડની કેટલીક સેલીબ્રીટીઓની પૂછપરછ થઇ ચુકી છે.