///

નેપાળના વડાપ્રધાન ઓલીની સંસદ ભંગ કરવાની ભલામણ

નેપાળમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાર્ટીમાં જ વિરોધ ઝેલી રહેલા નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રવિવારે અચાનક મંત્રીમંડળની બેઠકમાં સંસદ ભંગ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળ તરફતી સદનને ભંગ કરવાની ઔપચારિક ભલામણ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પાસે કરવામાં આવી છે.

સૌથી મોટી વાત એ છે કે નેપાળના બંધારણમાં જ સંસદને ભંગ કરવાની કોઈ જોગવાઈ નથી. તેવામાં અન્ય રાજકીય પક્ષો સરકારના આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે. હવે જોવાની વાત એ છે કે શું નેપાળના રાષ્ટ્રપતિ ઓલી સરકારની આ ગેરબંધારણીય સલાહ પર શું નિર્ણય લે છે.

ઓલીની કેબિનેટમાં ઉર્જા પ્રધાન બરશમેન પુને જણાવ્યું કે આજની કેબિનેટ બેઠકમાં સંસદને ભંગ કરવા માટે રાષ્ટ્રપતિની ભલામણ મોકલીને નિર્ણય લેવાયો છે. અત્રે જણાવવાનું કે ઓલી પર બંધારણીય પરિષદ અધિનિયમ સંબંધિત એક અધ્યાદેશ પાછો ખેંચવાનું દબાણ હતું. મંગળવારે બહાર પાડેલા અધ્યાદેશને રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પણ મંજૂરી આપી દીધી હતી.

રવિવારે જ્યારે ઓલી કેબિનેટે સવારે 10 કલાકે ઈમરજન્સી બેઠક બોલાવી હતી ત્યારે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ અધ્યાદેશને બદલવાની ભલામણ કરશે. પરંતુ તેની જગ્યાએ મંત્રીમંડળે સદન ભંગ કરવાની ભલામણ કરી.

ઓલીની પોતાની પાર્ટી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીએ કેબિનેટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. પાર્ટીના પ્રવક્તા નારાયણજી શ્રેષ્ઠે કહ્યું કે આ નિર્ણય ઉતાવળમાં લેવાયો છે. કારણ કે આજની આ કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનો હાજર રહ્યા નહતાં. આ લોકતાંત્રિક માપદંડોની વિરુદ્ધ છે અને રાષ્ટ્રને પાછળ લઈ જશે. તેને લાગુ કરી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published.