////

નેટફ્લિક્સ શો ‘અ સ્યુટેબલ બોય’ ચુંબનના દ્રશ્યને લઈને વિવાદમાં ઘેરાયો

તાજેતરમાં નેટફ્લિક્સે રીલીઝ કરેલો શો અ સ્યુટેબલ બોય ચુંબનના દ્રશ્યને લઈને વિવાદમાં ઘેરાયો છે. આ શોને લઈને ભાજપના નેતાઓએ આરોપ કર્યો છે કે, આ શો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

આ કન્ટેન્ટને લઈને ભાજપના નેતા અને મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ નેટફ્લિક્સ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ ગૌરવ તિવારીએ મધ્યપ્રદેશમાં રીવા ખાતે આ સામે ફરિયાદ નોંધાવી છે.

તિવારીએ તેના હિન્દી ટ્વીટમાં જણાવ્યું હતું કે, નેટફ્લિક્સ લવજેહાદને પ્રમોટ કરી રહી છે. તેમણે તેની સાથે મંદિરની અંદર હિંદુ મહિલા અને મુસ્લિમ યુવાન વચ્ચેના ચુંબનનો સીન શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હિંદુ યુવતી અને મુસ્લિમ યુવાનની લવસ્ટોરીનો સીન ફક્ત મંદિરમાં જ કેમ કરવામાં આવ્યો.

આ અંગે મિશ્રાએ જણાવ્યું હતું કે, મેં સત્તાવાળાઓને સૂચના આપી છે કે, નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ અને સિરીઝના નિર્માતા તથા ડિરેક્ટર સામે કયા પ્રકારના કાયદાકીય પગલાં લઈ શકાય તેની સંભાવના ચકાસવા કહ્યું છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા મિશ્રાએ જ તે વાતને સમર્થન આપ્યું હતું કે, શિવરાજસિંહની આગેવાની હેઠળની ભાજપની સરકાર લવજેહાદ સામેનો નવો કાયદા લાવી રહી છે. અ સ્યુટેબલ બોયને જાણીતા ફિલ્મ નિર્માત્રિ મીરા નાયરે ડિરેક્ટ કરી છે. આ સિરીઝ જાણીતા લેખક વિક્રમ સેઠની નોવેલનું તે જ સ્વરૂપમાં એડેપ્શન છે. છ પ્રકરણની આ વેબસિરીઝ 1951ના સમયના સ્વતંત્ર ભારતનો કાળ દર્શાવે છે. તે નેટફ્લિક્સ પર 23 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.