///

બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે આવ્યા રાહતના સમાચાર

બોર્ડની પરીક્ષાને લઈને તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યો છે. જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં. આ અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે તેની જાહેરાત કરી છે. જેમાં નિશંકે કહ્યું કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોઈ બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં. બોર્ડની પરીક્ષાને લઈને બાદમાં નિર્ણય લેવામાં આવશે.

દેશભરના શિક્ષકોની સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય શિક્ષણ પ્રધાને આ જાહેરાત કરી છે. નિશંક પહેલા પણ કહી ચુક્યા છે કે, વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. તેમણે 10 ડિસેમ્બરે કહ્યું હતું કે, પરીક્ષાનું આયોજન માર્ચમાં જ કરાવવું ફરજીયાત નથી.

આ ઉપરાંત વાલીઓએ બોર્ડની પરીક્ષાઓ મે મહિના દરમિયાન કરાવવાની માગ કરી છે. આ મહિને નિશંકે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને પરીક્ષાની નવી પેટર્નના આધાર પર તૈયારીનો સંપૂર્ણ સમય મળશે. પરીક્ષા માર્ચ મહિનામાં જ યોજવી તે ફરજીયાત નથી. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી પરીક્ષા નક્કી કરવામાં આવશે. પ્રેક્ટિકલ પણ કોઈ એન્ટ્રસ એક્ઝામની તારીખ પર નહીં હોય. નિશંકે કહ્યુ હતુ કે, 2021 બોર્ડની પરીક્ષાઓ માટે CBSEએ 30 ટકા અભ્યાસક્રમ ઓછો કરી દીધો છે. માર્કશીટમાંથી ફેલ શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. હવે કોઈ ફેલ થશે નહીં.

CBSEની પરીક્ષા ઓનલાઇન લેવાશે નહીં. 2021મા યોજાનારી પરીક્ષા વિદ્યાર્થીઓએ પહેલાની જેમ કાગળ-પેનથી આપવી પડશે. CBSEના અધિકારીઓએ સ્પષ્ટ કર્યુ છે કે, બોર્ડ પરીક્ષાઓને ઓનલાઇન કરાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ પરીક્ષા પાછલા વર્ષની જેમ લેખિત રૂપમાં લેવાશે. પરંતુ તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. બોર્ડની પરીક્ષાઓનું આયોજન કરવાને લઈને વાલીઓ અને શિક્ષકો વચ્ચે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. અત્યાર સુધી કોરાના મહામારીને કારણે દેશમાં શાળા-કોલેજો શરૂ થઈ શકી નથી. બોર્ડની પરીક્ષાઓના રજીસ્ટ્રેશનથી લઈને વર્ગ સંચાલન સુધી તમામ કાર્યો વર્ચ્યુઅલ કે ઓનલાઇન રીતે સંચાલિત થઈ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.