Wednesday, Aug 17, 2022 Today’s Paper

GST Council: જીએસટી કાઉન્સિલની 47મી બેઠક પૂર્ણ, જાણો રાજ્યોને જીએસટી વળતર ચાલુ રાખવા અંગે શું લેવાયો નિર્ણય

29 Jun, 22 61 Views

વિરોધ પક્ષો સાથેના રાજ્યો જીએસટીના અમલીકરણને કારણે થયેલા નુકસાન માટે વળતરની અવધિ જૂન 2022થી આગળ વધારવાની માંગ કરી રહ્યા છે

GST Council: ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (Goods and Services Tax - GST) કાઉન્સિલની 47મી બેઠક (GST Council Meeting) પૂરી થઈ ગઈ છે. જીએસટી વળતરની રકમ લક્ઝરી, ડિમેરિટ અને સિન ગુડ્સ પર સેસ ઉપરાંત 28 ટકા જીએસટી ટેક્સ લગાવીને એકત્રિત કરવામાં આવે છે જેમાંથી વળતરની રકમ રાજ્યોને આપવામાં આવે છે. ત્યારે આ બેઠકમાં જીએસટી વળતર રાજ્યોને લંબાવવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. વાસ્તવમાં, વિરોધ પક્ષો સાથેના રાજ્યો જીએસટીના અમલીકરણને કારણે થયેલા નુકસાન માટે વળતરની અવધિ જૂન 2022થી આગળ વધારવાની માંગ કરી રહ્યા છે.

જીએસટીની બેઠક બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, ' જીએસટી દરોની સમીક્ષા કરવા અને તેને તર્કસંગત બનાવવા માટે રચાયેલા મંત્રીઓના જૂથને ત્રણ મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો છે. આ વખતની જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેસિનો, ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ પર 28 ટકા જીએસટી લાદવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.' નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે, 'મંત્રીઓનું જૂથ કેસિનો, ઓનલાઈન ગેમિંગ પરના જીએસટી દરો અંગે 15 જુલાઈ સુધીમાં પોતાનો રિપોર્ટ સબમિટ કરશે. આ વખતની જીએસટી કાઉન્સિલની બેઠકમાં ક્રિપ્ટોકરન્સી પરની ચર્ચા એજન્ડામાં સામેલ નથી.'

જીએસટી કાઉન્સિલની બેઠક અંગે વધુ વિગતો જોઈએ તો, ઘણા સામાન અને સેવાઓ પર જીએસટી મુક્તિ નાબૂદ કરવાની મંત્રીઓના જૂથની ભલામણને સ્વીકારવામાં આવી છે. પ્રી-પેકેડ માંસ, માછલી, દહીં, પનીર, મખાના, શહેરી ઘઉં અને અન્ય અનાજ જેવા કે હાંગુનો લોટ અને જૈવિક ખાતરને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે નહીં અને તેના પર 5% જીએસટી લાગશે. જ્યારે અનપેક્ડ, અનબ્રાન્ડેડ અને લેબલ વગરના સામાન પર જીએસટી મુક્તિ ચાલુ રહેશે.

જીએસટી કાઉન્સિલે નિર્ણય લીધો છે કે, ભાડા પર ટ્રક લેવી સસ્તી પડશે, જો તેલની કિંમત પણ તેમાં સામેલ કરવામાં આવે તો. પહેલા 18 ટકા જીએસટી લાગતો હતો, હવે 12 ટકા જીએસટી ભરવો પડશે. રોપવે દ્વારા માલ કે વ્યક્તિની શિપમેન્ટ પર 18 ટકા જીએસટી લાગતો હતો પરંતુ હવે 5 ટકા જીએસટી લાગુ થશે જેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મળશે.

હવે LED લેમ્પ અને લાઇટ પર 12ને બદલે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે. આ સાથે જ પ્રિન્ટિંગ અથવા ડ્રોઇંગ શાહી પર 12 ટકાના બદલે 18 ટકા જીએસટી લાગશે. 1000 રૂપિયાથી ઓછી કિંમતના હોટલના રૂમ પર 12 ટકા જીએસટી ચૂકવવો પડશે. સોલાર વોટર હીટર સિસ્ટમ પર 5 ટકાના બદલે 12 ટકા જીએસટી લાગશે.

પહેલા ટેટ્રા પેક પેકેજિંગ પેપર પર 12 ટકા જીએસટી લાગતો હતો, હવે 18 ટકા જીએસટી ભરવો પડશે. કટ અથવા પોલિશ્ડ ડાયમંડ પર 0.25 ટકાના બદલે 1.5 ટકા જીએસટી ચૂકવવો પડશે. બેંક ચેકબુકની ફી પર પણ 18 ટકા જીએસટી લાગુ થશે. 5000 રૂપિયાથી વધુના હોસ્પિટલના રૂમના ભાડા પર 5 ટકા જીએસટી ચૂકવવો પડશે અને તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ ઉપલબ્ધ રહેશે નહીં.
જીએસટી દરોમાં કરવામાં આવેલા આ ફેરફાર 18 જુલાઈ, 2022થી લાગુ થશે. નાણામંત્રીએ નિર્મલા સીતારમણે કહ્યું કે, જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 1 ઓગસ્ટ અથવા ઓગસ્ટના પહેલા સપ્તાહમાં તમિલનાડુના મદુરાઈમાં યોજાશે.

 

advertisment image