Thursday, Aug 11, 2022 Today’s Paper

NRI: બિન-નિવાસી ભારતીયો માટે પણ શરુ કરાશે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ, જાણો RBIની મહત્વની જાહેરાત

05 Aug, 22 38 Views

ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS)એ બિલની ચૂકવણી કરવા માટે એક ઈન્ટરઓપરેબલ પ્લેટફોર્મ છે

NRI: ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા આજે 5 ઓગસ્ટ, શુક્રવારના રોજ નવી નાણાકીય નીતિ (Monetary policy)ની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈએ આજે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે, જે બાદ રેપો રેટ 5.40 ટકા પર આવી ગયો છે. નાણાકીય નીતિની જાહેરાતની સાથે જ આરબીઆઈએ બિન-નિવાસી ભારતીયો (Non-Resident Indians) માટે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (Bharat Bill Payment System - BBPS) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સિસ્ટમ શરુ થયા બાદ વિદેશમાં રહેતા ભારતીયો (NRI) દેશની બહાર રહીને પણ દેશમાં રહેતા તેમના પરિવારના સભ્યોના વીજળીના બિલથી લઈને શાળાની ફી ચૂકવી શકશે.

આરબીઆઈએ કહ્યું છે કે, 'ભારતીય રિઝર્વ બેંક વિદેશમાં રહેતા એનઆરઆઈ માટે પણ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે.' ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS)એ બિલની ચૂકવણી કરવા માટે એક ઈન્ટરઓપરેબલ પ્લેટફોર્મ છે. 20,000 થી વધુ બિલર્સ આ સિસ્ટમ સાથે જોડાયેલા છે અને દર મહિને આ પ્લેટફોર્મ પર 8 કરોડથી વધુ વ્યવહારો જોવા મળે છે. આ સુવિધાની શરૂઆત સાથે, બિન-નિવાસી ભારતીયો દેશમાં રહેતા પરિવારના સભ્યોના બદલામાં શિક્ષણ ફી, વીજળી બિલ સહીતના તમામ પ્રકારના ઉપયોગિતા બિલો ચૂકવી શકશે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, 'ભારત બિલ પેમેન્ટ સિસ્ટમે યુઝર્સ માટે બિલ પેમેન્ટની પદ્ધતિઓમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આ સિસ્ટમ સરહદ પારથી ઇનવર્ડ બિલની ચૂકવણી પણ સ્વીકારશે. આ માટે એનઆરઆઈ તેમના પરિવારના સભ્યોના બદલામાં તમામ ઉપયોગિતા, શિક્ષણ અને અન્ય બિલ ચૂકવી શકશે. જેનો સૌથી મોટો ફાયદો વરિષ્ઠ નાગરિકોને થશે. આરબીઆઈ આ અંગે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરશે.'

નોંધનીય છે કે, હાલમાં ભારતમાં રહેતા લોકો જ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS)નો ઉપયોગ કરી શકે છે. હવે એનઆરઆઈ માટે પણ આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

advertisment image