કોટક મહિન્દ્રા બેંકે પણ તેના ગ્રાહકોને બચત ખાતા પર વધુ વ્યાજ દર આપવાની જાહેરાત તાજેતરમાં કરી છે
Saving Account: તાજેતરમાં ઘર કે કાર પર મળતી લોન મોંઘી થઈ ગઈ છે. કારણ કે, ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India - RBI) છેલ્લા થોડા દિવસોમાં જ રેપો રેટ (Repo rate)માં બે વખત વધારો કર્યો છે. જે બાદ બેંક લોન પર વ્યાજ દર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કના આ નિર્ણયથી એક તરફ ઘર, કાર કે અન્ય પ્રોપર્ટી લેવાનું સપનું મોંઘુ થઈ ગયું છે. ત્યારે બીજી તરફ ગ્રાહકોને બેંક ફિક્સ ડિપોઝીટ (FD સ્કીમ) અને બચત ખાતામાં પૈસા જમા કરાવવા પર વધુ વળતર મળશે. હાલમાં જ ખાનગી ક્ષેત્રની મોટી બેંક ફેડરલ બેંકે (Federal Bank) તેના ગ્રાહકોને મોટો ફાયદો આપવાનો નિર્ણય કર્યો છે. હવે તમને ફેડરલ બેંકમાં સેવિંગ બેંક એકાઉન્ટ (Savings Bank Account) પર વધુ વ્યાજ દર મળશે.
ફેડરલ બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર પ્રકાશિત રિપોર્ટ અનુસાર, તમને 5 કરોડથી ઓછી રકમ પર 2.75 ટકા વ્યાજ મળશે. આ સાથે જ 5 કરોડથી વધુની રકમ પર 4 ટકા વળતર મળશે. આ નવો વ્યાજ દર 9 જૂન 2022થી લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહિન્દ્રા બેંકે તેના ગ્રાહકોને બચત ખાતા પર વધુ વ્યાજ દર આપવાની જાહેરાત કરી છે. 50 લાખથી વધુની FD સ્કીમ પર વ્યાજ દર 3.5 ટકાથી વધારીને 4 ટકા કરવામાં આવ્યો છે. આ નવો વ્યાજ દર આજથી લાગુ કરવામાં આવ્યો છે. બીજી તરફ, મહિન્દ્રા બેંક 50 લાખથી ઓછી રકમ પર તમને માત્ર 3.5 ટકા વ્યાજ ચુકવશે.
નોંધનીય છે કે, દેશમાં વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક મોટું પગલું ભર્યું છે. 8 જૂન, 2022 ના રોજ, આરબીઆઈએ 36 દિવસમાં બે રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ રેપો રેટ 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કર્યો છે. જેના કારણે 4 મેના રોજ આરબીઆઈએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.
Trending Tags: