Wednesday, Aug 17, 2022 Today’s Paper

PM Awas Yojana : પીએમ આવાસ યોજનાના નિયમોમાં સરકારે કર્યો ફેરફાર, જાણો શું

22 Mar, 22 73 Views

ભાડા પર મકાનો આપનાર લાભાર્થીઓ પાસેથી ઘરનો કબજો પરત લેવામાં આવશે

PM Awas Yojana: કેન્દ્ર સરકાર (Central Government)ની ખૂબ જ મહત્વપૂર્ણ યોજના પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) પણ છે. આ યોજના દ્વારા સરકાર વંચિત, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાનો ફાળવે છે. દેશભરમાં લાખો લોકોને આ યોજના હેઠળ લાભ મળ્યો છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી આ યોજનામાં અનેક ગેરરીતિના અહેવાલો મળી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને હવે સરકારે આ યોજનામાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. જેમાં હવેથી નવા નિયમો હેઠળ, ફાળવવામાં આવેલા મકાનોમાં ઓછામાં ઓછા 5 વર્ષ રહેવું જરૂરી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરનું ઘર મેળવવાનો ફાયદો ઉઠાવી ઘણીવાર લોકો તેને ભાડે આપી કમાણીનો માર્ગ અપનાવતા જોવા મળે છે. એવામાં આ ગેરરીતિ આચરતા લોકો સામે હવે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. જેમાં જે કોઈએ પોતાના  મકાનમાં રહેવાને બદલે ભાડા પર મકાનો આપ્યા છે તેઓના ઘરનો કબજો પરત લેવામાં આવશે. ઘર પરત લેવાની સાથે જ આ ઘર લેવા માટે આપેલા પૈસા પણ આ ગેરરીતિ આચરતા લોકોને પાછા નહીં મળે.

ઉલ્લેખનીય છે કે, સરકાર પીએમ આવાસ યોજના હેઠળ મકાનો ફાળવે છે, તેમની સાથે લીઝ માટે રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ કરવામાં આવે છે. નવા નિયમોમાં ફેરફાર કર્યા બાદ હવે સરકાર એ જોશે કે જે ઘર લોકોને ફાળવવામાં આવ્યા છે તે લોકો તેમાં પાંચ વર્ષ સુધી સતત રહે છે કે નહીં. લીઝ માટે રજિસ્ટર્ડ કરાર પાંચ વર્ષ પછી જ સરકાર દ્વારા બદલાશે.

સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમો અંગે વધુ માહિતી પર નજર કરીએ તો, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં હોય. જો કોઈ એલોટી મૃત્યુ પામે છે, તો આવી સ્થિતિમાં આ ફ્લેટ તેના પરિવારના નામે ટ્રાન્સફર કરવામાં આવશે. આ સાથે જ જે લોકોને ફ્લેટ આપવામાં આવ્યો છે, તેઓ અન્ય કોઈને ફ્લેટ ભાડે આપી શકે નહીં. આ નિયમથી હવે ફ્લેટનો દુરુપયોગ નહીં થાય. 
 

નોંધનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઘર બનાવવા માટે મદદ આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર લોકોને 2.67 લાખ રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ સાથે જ આ યોજનને મોદી સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજના માનવામાં આવે છે. 

advertisment image