Thursday, Aug 11, 2022 Today’s Paper

FD Scheme: ફિક્સ ડિપોઝીટ સ્કીમમાં કરવું છે રોકાણ ? જાણો પોસ્ટ ઓફિસ અને SBI પૈકી ક્યાંથી મળશે વધુ વળતર

02 Aug, 22 55 Views

એસબીઆઈ 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદત સાથે રૂ. 2 કરોડથી ઓછીની એફડી સ્કીમ પર સામાન્ય નાગરિકો માટે 2.90 ટકાથી 5.50 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે

FD Scheme: આજે લોકો કમાણીની સાથે પૈસાનું રોકાણ (investment) કરી સારું વળતર મેળવવાનું ઈચ્છે છે. સારું વળતર મેળવવા માટે ફિક્સ ડિપોઝીટ (Fixed Deposit - FD)માં પણ રોકાણ કરવામાં આવે છે. જો તમે પણ ફિક્સ ડીપોઝીટમાં રોકાણ કરી સારું વળતર મેળવવા માંગો છો તો, પોસ્ટ ઓફિસ (Post Office) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India - SBI) પૈકી કોની સ્કીમ (FD Scheme) રહેશે શ્રેષ્ઠ તે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ.

રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ વધારવાના નિર્ણયથી છેલ્લા કેટલાક દિવસોથી બેંકો તેમની થાપણ યોજનાઓના વ્યાજ દરોમાં સતત વધારો કરી રહી છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડી રહી છે. બેંકો વ્યાજદરોમાં કરતી હોવાથી લોન લેનારાને ઈએમઆઈ વધુ ભરવા પડે છે. જયારે વ્યાજ દરોમાં થતા વધારાનો ફાયદો ઉઠાવવા માટે લોકો એફડી સ્કીમમાં વધુ રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. જો તમે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અથવા પોસ્ટ ઓફિસ એફડી સ્કીમમાંથી કોઈ એક એફડી સ્કીમમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો અહીં બંને બેંકો એફડી પર ચૂકવતી વ્યાજદરોની વિગત આપવામાં આવી છે. બંને બેંકની યોજનાઓની સરખામણી કર્યા પછી રોકાણ માટે કોઈ એક વિકલ્પ પસંદ કરવો સારો રહેશે.  

પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને 1 થી 5 વર્ષ સુધીની એફડી સ્કીમ ઓફર કરે છે. આ સ્કીમ પૈકી જેટલા વર્ષની એફડી હોય તેના પર એ રીતે વ્યાજદર ચુકવવામાં આવે છે. જેમાં 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષની પોસ્ટ ઓફિસ એફડી પર 5.5% વ્યાજ મળે છે. આ સાથે જ 5 વર્ષથી વધુની FD પર 6.7 ટકા વ્યાજ દર ચુકવવામાં આવે છે. પોસ્ટ ઓફિસની એફડી સ્કીમ પર ઉપલબ્ધ વ્યાજ દરને ટાઈમ ડિપોઝિટ સ્કીમ કહેવામાં આવે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એફડી સ્કીમ અંગે વાત કરીએ તો, એસબીઆઈએ 14 જૂન 2022ના રોજ તેની એફડીના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો. જે બાદ ચુકવવામાં આવતા નવા વ્યાજ દરો સામે આવ્યા છે. એસબીઆઈ 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદત સાથે રૂ. 2 કરોડથી ઓછીની એફડી સ્કીમ પર સામાન્ય નાગરિકો માટે 2.90 ટકાથી 5.50 ટકા  સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. બીજી તરફ, એસબીઆઈ વરિષ્ઠ નાગરિક એફડી વ્યાજ દરો ઓફર કરે છે જે 3.40 ટકાથી 6.30 ટકા સુધીના વ્યાજ દરે આપે છે. સૌપ્રથમ નાની એફડી સ્કીમ જોઈએ તો તે 7 દિવસથી 45 દિવસ સુધીની છે. જેમાં 2.90 ટકા વ્યાજ દર ચુકવવામાં આવે છે. આ સાથે જ 46 દિવસથી 179 દિવસ માટે 3.90 ટકા, 180 દિવસથી 210 દિવસ એફડી પર 4.40 ટકા, 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમયની એફડી પર 4.60 ટકા, 1 વર્ષથી 2 વર્ષની એફડી પર 5.30 ટકા, 2 વર્ષથી 3 વર્ષની એફડી પર 5.35 ટકા, 3 વર્ષથી 5 વર્ષની એફડી પર 5.45 ટકા, 5 વર્ષથી 10 વર્ષની એફડી પર 5.50 ટકા વ્યાજ દર ચુકવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આજે પણ દેશમાં એક મોટો વર્ગ એવો છે જે રોકાણ માટે બજારના જોખમથી દૂર અન્ય રોકાણના વિકલ્પો શોધે છે. જેથી વળતર મળવાની સાથે તેમનું રોકાણ પણ સુરક્ષિત રહે. આ પ્રકારના રોકાણ કરવા માંગતા લોકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ રહે છે.

advertisment image