Saturday, Jun 10, 2023 Today’s Paper

Adani Group: કરણ અદાણી વિયેતનામના વડાપ્રધાનને મળ્યા, મોટું રોકાણ કરવાની શક્યતા

25 May, 23 81 Views

વિયેતનામ સરકારે કહ્યું, અદાણી ગ્રુપ વિયેતનામમાં લગભગ 3 બિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે

Adani Group: અદાણી ગ્રુપ (Adani Group) છેલ્લા થોડા મહિનાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. પરંતુ ધીમે ધીમે સ્થિતિ સુધરતી નજરે પડી રહી છે. આ સાથે જ અદાણી ગ્રુપ હવે બીજા દેશમાં રોકાણની તકો શોધી રહ્યું છે. ગૌતમ અદાણી (Gautam Adani)નો પુત્ર કરણ અદાણી (Karan Adani) વિયેતનામ (Vietnam)ની મુલાકાતે પહોંચ્યા છે, ત્યારે  ત્યાંની સરકારે કહ્યું કે,અદાણી ગ્રુપ વિયેતનામમાં લગભગ 3 બિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે. આ રોકાણ પોર્ટ, વિન્ડ અને સોલાર પાવર પ્રોજેક્ટમાં થઈ શકે છે.  

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ લિમિટેડના સીઈઓ કરણ અદાણી બુધવારે હનોઈમાં વિયેતનામના વડાપ્રધાન ફામ મિન્હ ચિન્હને મળ્યા હતા. આ પછી વિયેતનામ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી જૂથ 3 બિલિયન ડોલરના સંયુક્ત રોકાણ સાથે વિયેતનામમાં પોર્ટ ઇકોસિસ્ટમ તેમજ પવન અને સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ વિકસાવવા માંગે છે.

વિયેતનામના વડાપ્રધાને કરણ અદાણીને તેમના દેશના વિકાસના લક્ષ્યો વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વિયેતનામ વિકાસ માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ સંસાધનોને એકત્ર કરે છે અને તેનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે દેશમાં સંસ્થાઓમાં સુધારો કરવા, માનવ સંસાધનોનો વિકાસ કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર ફોકસ છે. 

કરણ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી જૂથ વિશ્વના 50 થી વધુ દેશોમાં પોર્ટ, પરિવહન, લોજિસ્ટિક્સ, ઊર્જા અને ડિજિટલ ટેક્નોલોજી જેવા ઘણા ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે. વિયેતનામ સરકારે આશા વ્યક્ત કરી હતી કે અદાણી ગ્રૂપ વ્યૂહાત્મક માળખાગત સુવિધાઓ જેમ કે પરિવહન, ઉર્જા, ડિજિટલ અને ક્લાઈમેટ ચેન્જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી શકે છે.  

કરણ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી જૂથ ગ્રીન સીપોર્ટ ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે અને વિયેતનામમાં લગભગ 3 બિલિયન ડોલરની કુલ મૂડી સાથે સોલાર પાવર પ્લાન્ટ્સમાં રોકાણ કરવા માંગે છે. તેમણે કહ્યું કે આ રોકાણ 10 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. કરણ અદાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપે લાંબા ગાળા માટે વિયેતનામમાં માત્ર પોર્ટ અને લોજિસ્ટિક્સમાં જ નહીં પરંતુ એનર્જી અને ડિજિટલ ટેક્નોલોજીમાં પણ રોકાણ કરવાનું નક્કી કર્યું છે.