Thursday, Aug 11, 2022 Today’s Paper

EPFO: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરી, દેશના લાખો પેન્શનરોને મળશે રાહત

01 Aug, 22 43 Views

પેન્શનરોએ પેન્શન મેળવવા માટે દર વર્ષે જીવન પ્રમાણપત્ર ફાઇલ કરવું પડતું હોય છે

EPFO: દેશના લાખો પેન્શનધારકો (Pensioners)માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. હવેથી પેન્શનધારકો મિનિટોમાં તેમનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર (Life certificate) સબમિટ કરી શકશે. સરકારે દેશના 73 લાખ પેન્શનરો માટે એક વિશેષ સુવિધા શરૂ કરી છે. જેની સીધી મદદ પેન્શનરોને મળશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે (Union Ministry of Labor and Employment) ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી (Face authentication technology) શરૂ કરી છે.

ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવતી વખતે વૃદ્ધાવસ્થાના કારણે ઘણી વખત મોટાભાગના પેન્શનરોને બાયોમેટ્રિક્સને મેચ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. એવા સમયે પેન્શનરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે હવે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરી છે. જેની મદદથી હવે પેન્શનરોના ચહેરા ઓળખી તેના આધારે તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં આવશે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે માહિતી આપી હતી કે, હવે પેન્શનરો ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ફાઇલ કરવા માટે ફેસ રેકગ્નિશન સુવિધાની મદદ લઇ શકશે. શ્રમ મંત્રાલય દ્વારા એક નિવેદન જારી કરી તેમાં કહેવામાં આવ્યું છે કે, 'પેન્શનરો માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરવામાં આવી છે.'

ઉલ્લેખનીય છે કે, પેન્શનરોએ પેન્શન મેળવવા માટે દર વર્ષે જીવન પ્રમાણપત્ર ફાઇલ કરવું પડતું હોય છે. આ પ્રમાણપત્ર દ્વારા પેન્શનરના અસ્તિત્વનો પુરાવો પણ આપવામાં આવે છે. 

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા મુજબ, આ નવી સુવિધા અંગે આગામી 8 દિવસમાં એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના લગભગ 14,000 કર્મચારીઓને આ નવી ટેકનિકનો ઉપયોગ કરવા માટે ટ્રેનિંગની સુવિધા આપવામાં આવશે. જેનો અર્થ એ કે, ઈપીએફઓના કર્મચારીઓ માટે આ નવી સુવિધાઓના સંચાલન માટે તાલીમની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. આ તાલીમ નીતિ દ્વારા કર્મચારીઓ અને ઈપીએફઓ ​​અધિકારીઓને આ ઓનલાઈન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે.

advertisment image