Tuesday, Jan 31, 2023 Today’s Paper

હવે 1 રૂપિયામાં નહીં મળે માચિસનું ખોખું, 14 વર્ષ બાદ કિંમતમાં થશે આટલો વધારો

02 Nov, 21 42 Views

માચિસની સળી પર જે રોગન હોય તેના પર મોંઘવારીનો ભાર પડી રહ્યો છે

માત્ર એક રૂપિયામાં ગરીબની ઝૂંપડીમાં 50 કરતા પણ વધારે વખત અજવાળું પાથરનારી માચિસની પેટી હવે એ કિંમતે નહીં મળે. માચિસની સળી પર જે રોગન હોય તેના પર મોંઘવારીનો ભાર પડી રહ્યો છે અને આશરે 14 વર્ષ બાદ તેની કિંમત વધવા જઈ રહી છે. દેશમાં શિવકાશી ખાતે માચિસ બનાવવાનો મુખ્ય ઉદ્યોગ ચાલે છે. માચિસ ઉદ્યોગમાં કાર્યરત 5 મોટી કંપનીઓએ મોંઘવારીના માર સામે ઝઝૂમવું પડતું હોવાથી હવે તેની કિંમત વધારવા મામલે સહમતિ સાધી લીધી છે.

દેશભરમાં માત્ર 1 રૂપિયામાં મળતી માચિસની પેટી હવે પહેલી ડિસેમ્બરથી 2 રૂપિયામાં મળશે. અગાઉ 2007માં માચિસની કિંમતમાં વધારો થયો હતો. તે સમયે 50 પૈસાની માચિસ 1 રૂપિયાની થઈ ગઈ હતી. શિવકાશી ખાતે ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ માચિસે આશરે 14 વર્ષ બાદ માચિસની કિંમત વધારવાનો નિર્ણય લીધો છે. માચિસ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓના કહેવા પ્રમાણે તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાચા માલ સાથે સંકળાયેલી 14 વસ્તુઓની કિંમત વધી ગઈ છે.

માચિસમાં રોગનનું કામ કરતા લાલ ફોસ્ફરસની કિંમત જ 425 રૂપિયાના બદલે 810 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે મીણની કિંમત 58 રૂપિયાથી વધીને 80 રૂપિયા, માચિસના ખોખાની કિંમત 36 રૂપિયાથી વધીને 55 રૂપિયા થઈ ગઈ છે. તે સિવાય કાગળ, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફેટની કિંમતો પણ 10મી ઓક્ટોબરથી સતત વધી રહી છે. બાકી ડીઝલની કિંમતોનો બોજ અલગથી છે.

નેશનલ સ્મોલ મેચબોક્સ મેન્યુફેક્ચરર્સ અસોશિએશનના વી. એસ. સેતુરતિનમના કહેવા પ્રમાણે હાલ 50 સળીવાળા 600 માચિસના ખોખા 270થી 300 રૂપિયામાં વેચાય છે. માચિસ ઉદ્યોગે તેની કિંમતમાં 60 ટકાનો વધારો કરવાની એટલે કે, 430થી 480 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. આ કિંમતો 12 ટકા જીએસટી છોડીને હશે.