Thursday, May 26, 2022 Today’s Paper

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સાત વર્ષની ટોચે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકાની શક્યતા

28 Jan, 22 66 Views

ક્રૂડ 90 ડોલરની સપાટી કૂદાવી : યુક્રેન પ્રશ્ને અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ : અબુધાબી પર થયેલા હુમલાની ક્રૂડના ભાવ પર અસર વર્તાઈ

મુંબઈ : યુક્રેન મુદ્દે રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધતાં તથા ઈરાનના અમુક ત્રાસવાદી જૂથો આબુધાબી તરફ હુમલાઓ કરતા થતાં વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પર તેજીની અસર દેખાઈ હતી. ક્રૂડતેલના ભાવમાં ગુરૂવારના રોજ ઉંચા ભાવની તેજી આગળ વધતાં વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉછળી બેરલદીઠ 90 ડોલરની સપાટી કુદાવી ગયા હતા. ક્રૂડતેલ બજાર ઉંચકાઈ સાત વર્ષની નવી ટોચે પહોંચી છે.

વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના બે દિવસમાં 86.29 ડોલરથી વધી આજે 90.50 ડોલર સાંજે રહ્યાના સમાચાર મળ્યા હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ પણ બે દિવસમાં બેરલદીઠ 83.03 ડોલરથી વધી 87.87 ડોલર બોલાઈ રહ્યા હતા.

ઓપેકના દેશોમાં પણ ક્રૂડતેલનું ઉત્પાદન અપેક્ષાથી ઓછું થઈ રહ્યાની ચર્ચા વિશ્વબજારમાં ગુરૂવારે સંભળાઈ રહી હતી. ભાવ ઉછળતાં અમેરિકાની સરકારે પોતાની હસ્તક રહેલા જથ્થામાંથી આશરે 130થી 135 લાખ બેરલસ ક્રૂડતેલ બજારમાં ઠાલવવા નિર્ણય કર્યાના નિર્દેશો વહેતા થતાં ક્રૂડતેલના ઉંચા મથાળે ઉછાળાને અનુસરવા સાવચેતીનો સૂર પણ આજે વિશ્વબજારમાં જોવા મળ્યો હતો. જોકે અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક 24 લાખ બેરલ્સ વધ્યો હોવાનું એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું.

દરમિયાન, ક્રૂડતેલના ભાવ આગળ ઉપર વધઘટે 100 ડોલર થવાનો અંદાજ તાજેતરમાં ગોલ્ડમેન સેક દ્વારા વ્યક્ત કરાયો હતો અને ત્યારબાદ ભાવ વધી હવે 90 ડોલરનો આંબી જતાં હવે 100 ડોલર પર બજારની નજર રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

ક્રૂડના ભાવ વધવાની સાથે ભારતે પણ ઓઇલ ઉત્પાદક દેશો સાથે વાટાઘાટ કરવાનો પ્રારંભ કર્યો છે. પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીએ અબુધાબી નેશનલ ઓઇલ કંપની (એડનોક)મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સુલ્તાન અલ જબેર સાથે વાત કરી હતી.

તેમા દ્વિપક્ષીય એનર્જી પાર્ટનરશિપ અંગે પણ ચર્ચા કરી હતી. તેની સાથે તેમણે યુએઇ પર થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરી હતી જેમા બે ભારતીયોના મોત થયા હતા. આ અંગે જાણકારી ધરાવતા અધિકારીઓનું કહેવું છે કે ભારતે ઓઇલ ઉત્પાદક દેશોને ઉત્પાદન વધારવા અને ભાવ ઘટાડવા કહ્યું છે.

બીજી ફેબ્રુઆરીના રોજ ઓપેકના દેશોની બેઠક યોજાવવાની છે અને તેમા ઉત્પાદનમાં વધારો કરવો કે નહીં તે અંગે નિર્ણય થશે. આના લીધે આઇઓસીનો ભાવ તાજેતરમાં ઘટીને 119.80 પર પહોંચી ગયો હતો, જે ગુરૂવારે 123.10 પર બંધ આવ્યો હતો. જ્યારે બીપીસીએલનો ભાવ  ગુરૂવારે 375નું તળિયું બનાવી 381.90 પર બંધ આવ્યો હતો. જ્યારે એચપીસીએલનો ભાવ ઘટીને 308.35 પર બંધ આવ્યો હતો. 

Trending Tags:

advertisment image