Thursday, Aug 11, 2022 Today’s Paper

Har Har Shambhu: શ્રાવણ માસમાં રોજ સાંભળો છો 'હર હર શંભુ', આજે જાણી લો આ ભજનની ગાયિકા ફરમાની નાઝની સ્ટ્રગલ સ્ટોરી

01 Aug, 22 83 Views

ફરમાની નાઝે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી, જેના હાલ લગભગ 38.5 લાખ સબસ્ક્રાઈબર્સ છે

Har Har Shambhu: પવિત્ર શ્રાવણ માસ (Shravan Mas) ચાલી રહ્યો છે. ત્યારે શિવભક્તો ભક્તિમાં લીન જોવા મળે છે. શિવાલયોમાં મહાદેવ (Mahadev)ના ભજન - કીર્તનની ધૂન સાંભળવા મળે છે. બીજી તરફ આજના ટેક્નોલોજી યુગમાં સોશિયલ મીડિયા (Social media)માં વિડીયો, સ્ટેટ્સ, સ્ટોરી કે પોસ્ટ શેર કરતી વખતે શંકર ભગવાનના અલગ - અલગ ભજનો પણ તમે સાંભળ્યા જ હશે. આ દરમિયાન તાજેતરના સમયમાં દરેક જગ્યાએ સાંભળવા મળતું 'હર હર શંભુ' (Har Har Shambhu) ભજન હાલ ટ્રેન્ડિંગ છે. આ ભજનને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પોસ્ટ શેર કરી રહ્યા છે. આજે અમે તમને આ ભજનની ગાયિકા ફરમાની નાઝ (Fermani Naz)ની સ્ટોરી સ્ટ્રગલ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.

ફરમાની નાઝે તાજેતરમાં કાવડિયોને લઈને તેની યુટ્યુબ ચેનલ પર 'હર હર શંભુ ગીત' નામનું શિવ ભજન રજૂ કર્યું હતું. જેને એક તરફ હિન્દુઓ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ આ ભજન આવ્યા પછી દેવબંદના ઘણા મૌલાનાઓએ ફરમાની નાઝ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. જોકે, રહી વાત ફરમાની નાઝની તો, તેણી  ઉત્તર પ્રદેશના મુઝફંજર જિલ્લાના મોહમ્મદપુર માફી નામના નાનકડા ગામની રહેવાસી છે. ફરમાની નાઝને તેના સુંદર અવાજને લીધે આજે દેશભરમાં સૌકોઈ જાણે છે. જોકે, તેની અહીંયા સુધી પહોંચવાની સફર સરળ રહી નથી.

લગ્ન જીવનમાં સહન કર્યું દુઃખ

ફરમાની નાઝના લગ્ન વર્ષ 2017 માં ઇમરાન સાથે થયા હતા. લગ્ન બાદ ફરમાની નાઝ પતિ સાથે મેરઠના છોટા હસનપુર ગામમાં રહેવા લાગી હતી. લગ્ન પછી ફરમાની નાઝને સાસરિયાઓ તરફથી મેણા - ટોણા સાંભળવા મળતા અને અનેક માનસિક ત્રાસ ગુજારવામાં આવતો. લગ્નના થોડા સમય પછી ફરમાનીને એક પુત્ર થયો જેનું નામ મોહમ્મદ અર્શ રાખવામાં આવ્યું. પુત્ર જન્મ બાદ સુખી જીવનને બદલે ફરમાનીના જીવનમાં મુશ્કેલી વધુ વધી ગઈ. કારણ કે, મોહમ્મદ અર્શને ગળાની બીમારી હોવાનું સામે આવ્યું હતું. જેની સારવાર માટે ફરમાની નાઝે પૈસાની વ્યવસ્થા કરવા દિવસ-રાત કામ કરવાનું શરૂ કર્યું હતું. ફરમાની નાઝની સમસ્યા અહીં પણ અટકી નહીં, પરંતુ આ કપરા સમયમાં ફરમાનીને છોડીને તેના પતિએ બીજા લગ્ન કરી લીધા. આ પછી, ફરમાની નાઝ મોહમ્મદપુરમાં તેના પિતાના ઘરે પરત ફરી અને ત્યાં તેના પુત્ર સાથે રહેવા લાગી.

ફરમાની નાઝે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી

મોહમ્મદપુરમાં જીવન વિતાવનાર ફરમાની નાઝને ગાવાનો ખૂબ જ શોખ છે. એક દિવસ તેણી કોઈ ગીત ગાઈ રહી હતી તે ગામમાં રહેતા રાહુલ નામના યુવકે સાંભળ્યું. આ પછી રાહુલે ફરમાની નાઝના અવાજમાં એક ગીત રેકોર્ડ કર્યું અને તેને યુટ્યુબ પર મૂક્યું. જે  ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ પછી ફરમાની નાઝે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી, જેના હાલ લગભગ 38.5 લાખ સબસ્ક્રાઈબર્સ છે. ફરમાની નાઝના વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવાની જવાબદારી ફરમાન નામના યુવકે ઉપાડી હતી. હાલ  ફરમાની નાઝ અને ફરમાનની જોડીને ખુબ પસંદ કરવામાં આવે છે.

ફરમાની નાઝે 'ઈન્ડિયન આઈડલ' શોમાં લીધો ભાગ

ફરમાની નાઝે સોની ટીવીના પ્રખ્યાત સિંગિંગ શો 'ઈન્ડિયન આઈડલ સીઝન 12'માં ભાગ લીધો હતો. શોમાં ફરમાની નાઝે હિન્દી ગીત 'જો વાદા કિયા તો નિભાના પડેગા' ગાયું હતું. આ શોના જજ અને બોલીવુડના પ્રખ્યાત ગાયકો વિશાલ દદલાની, હિમેશ રેશમિયા અને નેહા કક્કરે પણ ફરમાની નાઝના અવાજને પસંદ કર્યો હતો. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું. ફરમાની શોમાં આગળ વધે તે પહેલા પુત્ર અર્શની તબિયત બગડતાં ફરમાનીએ ઈન્ડિયન આઈડલમાંથી પાછું આવવું પડ્યું હતું. ફરમાની આ શોમાં વધુ ભાગ ન લઈ શકી પરંતુ કહેવાય છે ને કે તમારામાં રહેલી પ્રતિભા તમને પ્રસિદ્ધિ જરૂર અપાવે છે. તેમ ફરમાની નાઝનો અવાઝ હાલ 'હર હર શંભુ' ભજન મારફતે દરેક ઘરમાં ગુંજી રહ્યો છે. જે તેની પ્રસિદ્ધિની ગાથા વર્ણવે છે.

Trending Tags:

advertisment image