Thursday, Dec 02, 2021 Today’s Paper

અરબી સમુદ્રમાં ફરી લો પ્રેશન સક્રિય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી

24 Nov, 21 26 Views

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. એ ઉપરાંત વરસાદી ઝાપટાં પડી શકે છે

અમદાવાદઃ શિયાળો હવે જામતો જાય છેત્યારે અરબી સમુદ્રમાં બનતા લો પ્રેશરના કારણે ફરી શિયાળામાં માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. એ ઉપરાંત વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી તરફ, આગામી ત્રણ દિવસમાં રાજયના અન્ય વિસ્તારોમાં લઘુતમ તાપમાન ગગડતાં ઠંડીનું પ્રભુત્વ વધશે.

હાલ રાજયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ધૂમ્મસ છવાયેલું જોવા મળે છે, તેની સાથે ગુલાબી ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે.

માત્ર દક્ષિણ ગુજરાત સિવાય અન્ય કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડીગ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડીગ્રીનો ઘટાડો થતાં ઠંડીના પ્રભુત્વમાં વધારો થશે.

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના મારને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે વરસાદને કારણે થયેલા નુકસાની મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્ત્વની બેઠક યોજશે.

જેમાં પાક નુકસાની સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા કૃષિમંત્રીએ હકારાત્મક વલણ અપનાવ્યું છે અને સહાય અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંતિમ નિર્ણય કરશે. મહત્ત્વનું છે કે 11 જિલ્લાના 48 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. 48 તાલુકા પૈકી 23 તાલુકામાં તો 2 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.

48 તાલુકા પૈકી 23 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના 11 તાલુકા, મહેસાણાના 6 તાલુકા,પાટણના 8 અને સાબરકાંઠાના 5 તાલુકાનો સમાવેશ થાય છે. તો છોટાઉદેપુરના 1, જૂનાગઢના 1, ડાંગના 2 તાલુકા,નર્મદાના 3, સુરતના 5, વલસાડના 2, કચ્છના 2 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા કૃષિમંત્રીએ હકારાત્મક વલણ દર્શાવ્યું છે, જોકે સહાય અંગે આખરી નિર્ણય મુખ્યમંત્રી લેશે એવું જણાવ્યું છે.

Trending Tags:

advertisment image