Sunday, Jul 03, 2022 Today’s Paper

Vadodara News: વડોદરાના કમલાનગર તળાવમાંથી લાખો રૂપિયાની 2000ની નોટો મળી, કેમ ફેંક્યાં હતા બંડલો?

23 Jun, 22 88 Views

વડોદરામાં કમલાનગર તળાવમાંથી લાખો રૂપિયાની બે હજારની નોટોના બંડલ મળી આવ્યા હતા.

વડોદરાઃ આઈટી વિભાગના (IT department) અધિકારીઓ છાસવારે ઠેક ઠેકાણે દરોડા પાડીને કાળાં નાણાં પકડી પાડતા હોય છે. પરંતુ કેટલાક લોકો આઈટીના સર્ચથી (IT search) બચવા માટે લોકો અલગ અલગ જગ્યાએ રૂપિયા સંતાડતા હોય છે. ત્યારે વડોદરામાં (vadodara) કમલાનગર તળાવમાંથી (kamalanagar lake) લાખો રૂપિયાની બે હજારની નોટોના બંડલ મળી આવ્યા હતા.  શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની સફાઈ કરવા માટે કેટલાક શ્રમિકોને કામે લગાડાયા હતા ત્યારે એક શ્રમિકની નજર એક કોથળીમાં તરી રહેલાં રોકડ નોટોના બંડલ પર પડતાં તેણે સાથી શ્રમિકોને કહ્યું હતું ત્યારે ત્યાં હાજર રેલવે કોન્સ્ટેબલને શ્રમિકે જાણ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે શહેર પોલીસે બાપોદ પોલીસને આ બાબતે સંદેશો આપ્યો હતો. જેથી બાપોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નોટોના બંડલ કબજે કર્યા હતા અને પોલીસ મથકે જમા કરાવ્યા હતા.આ બનાવના બીજા દિવસે વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી પોલીસે વાત દબાવી રાખી હતી. તળાવમાંથી મળેલી નોટોમાં ફૂગ લાગી ગઇ હતી એમ બાપોદ પોલીસે જણાવ્યું હતું. નોટોની હાલત લાગતું હતું કે નોટોનું બંડલ ઘટનાના ચાર દિવસ પૂર્વે ફેંકાઈ હોવાનું અનુમાન છે.

તળાવમાંથી મળેલી નોટોને શોધવા માટે બાપોદ પોલીસના પોસઇ ભીલે તપાસ હાથ ધરી હતી તેઓએ તળાવથી દૂર આવેલા અને તે તરફ આવનારા રસ્તાઓના 15 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા પણ નોટો ફેંકનારની કોઇ ભાળ પોલીસને મળી ન હતી.એસીપી એમ.પી.ભોજાણીએ જણાવ્યું હતું કે પીએમના કાર્યક્રમને લીધે તપાસ થોડીક મંદ હતી પણ હવે તપાસ વેગીલી રીતે કરવામાં આવશે.

બાપોદ પોલીસને મળી આવેલી બે હજારની નોટો કુલ ~5.30 લાખની હતી, આ નોટોને લઇ જઇ બેંકમાં ખરાઈ કરાઈ હતી. નોટો સાચી હોવાનું બહાર આવતાં નોટોને બાપોદ પોલીસમાં જમા કરાવાઈ હતી. પોલીસે ભીની નોટોને સૂકવી ફરી બંડલમાં ગોઠવવી પડી હતી.

વર્ષ 2016માં પણ દંતેશ્વર તળાવમાંથી નોટો મળી હતી
તળાવમાંથી ચલણી નોટો મળી આવવાનો શહેરમાં આ પહેલો કિસ્સો નથી. સાડાપાચ વર્ષ અગાઉ પણ શહેરના દંતેશ્વર તળાવમાંથી ચલણી નોટો મળી આવી હતી. નોટબંધી પછીના કેટલાક દિવસો બાદ રૂ. 500-500ની નોટોના બંડલ દંતેશ્વર તળાવમાંથી મળી આવ્યાં હતા.

advertisment image