Thursday, Aug 11, 2022 Today’s Paper

અમદાવાદઃ ચોરી કરવા માટે ચોરે ઉતાર્યું વજન, પછી સાઈકલ ઉપર ચોરી ગયો લાખો રૂપિયા

17 Nov, 21 54 Views

છેલ્લા ત્રણ મહિનાથી ચોરીનો પ્લાન ઘડી રહ્યો હતો. તેના માટે તેણે ત્રણ મહિના ડાયટ પર રહીને છ કિલો વજન ઉતાર્યું હતું.

અમદાવાદઃ શહેર અને ગુજરાતમાં ચોરીના અનેક કિસ્સાઓ બનતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાં બનેલી એક ચોરીનો ભેદ ઉકેલાયો છે અને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, નવાઈની વાત એ છે કે આરોપીએ ચોરી કરવા માટે જે પ્લાન બનાવ્યો એ જાણને તમને નવાઈ લાગશે. આરોપીએ ચોરી કરવા માટે ડાયટ કરીને પોતાને ફીટ બનાવ્યા બાદ ચોરી કરી હતી. જોકે, આરોપી પોલીસની ઝપટે ચડી ગયો હતો.

ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એક એવા ચોરની ધરપકડ કરી છે કે જે છેલ્લા ત્રણ મહિનાથી ચોરીનો પ્લાન ઘડી રહ્યો હતો. તેના માટે તેણે ત્રણ મહિના ડાયટ પર રહીને છ કિલો વજન ઉતાર્યું હતું.  હાલ ચોરીમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે.

બોપલમાં આવેલ બસંત બહાર બંગલમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ સામે આવતા જ એલસીબી સહિત પોલીસ આરોપીને પકડવા માટે કામે લાગી હતી. અંતે પોલીસને સફળતા મળતા પોલીસે મૂળ રાજસ્થાનના મોતીસિંહ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ રૂપિયા 37 લાખનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા કેટલાક સમયથી ચોરી કરવાની ફિરાકમાં હતો. આ મકાનમાં અગાઉ તે ઘરઘાટી તરીકે કામ કરી ચુક્યો હોવાથી તે પરિચિત હતો. ઘરમાં ક્યાંથી પ્રવેશ કરીએ તો સીસીટીવી કેમેરામાં કેદના થવાય તેની પણ જાણકારી હતી. જોકે બારી માંથી પ્રવેશ કરવો હોય તો તેનું વજન ઉતારવું પડે તેમ હતું જેથી આરોપીએ ફૂલપ્રૂફ પ્લાનિંગ સાથે ચોરી કરવાનુ નક્કી કર્યું હતું.

વજન ઉતારવા માટે તેણે ત્રણ મહિનાથી ડાયટ શરૂ કરી હતી. ત્રણ મહિનામાં છ કિલો જેટલું વજન ઉતારી દીધા બાદ દિવાળીના પર્વ દરમિયાન પરિવાર ફરવા માટે બહાર ગયો ત્યારે તેણે ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.

જોકે આ પરિવાર ક્યારે બહાર જવાનો છે અને તેમની ગતિવિધિઓની જાણકારી મળી રહે તે હેતુથી તેણે ઘરઘાટી તરીકેની નોકરી છોડ્યા બાદ પણ પોતાના જ પરિચિતને ત્યાં નોકરીએ રખાવ્યા હતા. જેમની પાસેથી તે માહિતી મેળવતો હતો. ચોરી કરવા માટે તે સાયકલ લઇને પહોંચ્યો હતો. 18મી તારીખે વતનમાં જવાનું હોવાથી તેણે ચોરી કરેલ મુદ્દામાલ એક જગ્યાએ ઝાડીઓમાં છુપાવી દીધો હતો.

Trending Tags:

advertisment image