સરદારનગર વિસ્તારમાં (sardarnagar Area) આવેલી એસ. બી.આઇ બેંકમાં (SBI) ગ્રાહક અને સિક્યુરિટી વચ્ચે સામાન્ય વાતમાં બોલાચાલી થઇ હતી.
અમદાવાદ : અમદાવાદ શહેરમાં (Ahmedabad city) નજીવી બાબતે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. શહેરના સરદારનગર વિસ્તારમાં (sardarnagar Area) આવેલી એસ. બી.આઇ બેંકમાં (SBI) ગ્રાહક અને સિક્યુરિટી વચ્ચે સામાન્ય વાતમાં બોલાચાલી થઇ હતી. જે બાદમાં સિક્યુરિટી દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ (firing) કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં બેંકમાં જ કામ કરતી એક યુવતીને ઇજા પહોંચી હતી. જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે પોલીસની પ્રાથમિક તપાસમાં એસ.બી.આઇ બેંકમાં એરપોર્ટ પોલીસ મથકમાં કર્મચારી તરીકે કામ કરતા રાજેન્દ્રસિંહ તેની બાળકી સાથે બેંકમાં કામ માટે ગયા હતા. બાળકી સિક્યુરિટીની ખુરશી પર બેઠી હતી.
જે બાબતે સિક્યુરિટી અને રાજેન્દ્રસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં સિક્યુરિટી દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બેંકમાં કામ કરતી સુમન નામની યુવતીને ઇજા પહોંચી હતી.
હાલ તો એરપોર્ટ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બેન્કનાં અન્ય કર્મચારીઓ તેમજ અધિકારીની પણ પૂછપરછ હાથ ધરાઇ છે. આ ઉપરાંત સીસીટીવીની મદદથી પણ પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. પોલીસે ફાયરિંગ કરનાર સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી છે.
હાલ આ મુદ્દે વધારે તપાસ સ્થાનિક પોલીસ દ્વારા ચલવવામાં આવી રહી છે. જો કે પોલીસ જવાન અને સિક્યુરિટી ગાર્ડની માથાકુટમાં બેંક કર્મચારી યુવતીને ગોળી ખાવાનો વારો આવ્યો છે.