એક વર્ષથી ચાલતા ઝઘડાનો કરૂણ અંત, માતાએ એક બાજુ પોતાનો પુત્ર ખોયો, બીજી બાજુ હત્યારા પણ પોતાના જ
પાટણ : શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં સવારે 9 વાગ્યાના અરસામાં સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને બજાર વચ્ચે રહેસી નાખ્યો છે. એક વર્ષથી ચાલતા મામા-ફોઇના ભાઈઓ વચ્ચે ચાલતા ઝઘડાનો અંત આખરે મોતથી(Murder) આવ્યો છે. ભર બજારમાં હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
રિક્ષા ચાલક ફોઇના દિકરા પર તેના જ મામાના દિકરાએ ભરબજારમાં છરી વડે હુમલો કરે છે. જેમાં રિક્ષા ચાલક ઢળી પડે છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યા સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઇ જતા પરીવારજનોમાં આક્રંદ ફેલાયો છે.
સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને ભર બજારમાં રહેસી નાખતા માતા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક બાજુ પુત્ર ખોયો તો બીજી બાજુ હત્યારા પણ પોતાના જ છે.
મૃતક પ્રકાશ પટણી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લા એકાદ વર્ષથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો. જેમાં આજે સવારે પ્રકાશ ઘરેથી રિક્ષા લઇને વર્ધી માટે નીકળ્યો હતો, ત્યારે વેરાઇ ચકલા પાસે તેનો મામાનો છોકરો મળ્યો હતો. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે રહેસી નાખ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ હતી.