Monsoon : રાજ્યમાં સિઝનનો માત્ર 4% જ વરસાદ (Rain) પડ્યો છે. 28 જિલ્લામાં હજુ વરસાદની ઘટ, 70% વિસ્તારમાં વાવણી કરવાની પણ બાકી
રાજ્યમાં વરસાદનું જોર નરમ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે પરંતુ હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની પણ સંભાવના છે.
મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય કોઈ વધુ મહેર નથી થઈ. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. હજુ 70 ટકા વિસ્તારમાં વાવણી પણ બાકી છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ તથા સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરૂવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બુધવારે વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે.
રાજ્યમાં હજુ સિઝનનો માંડ 4 ટકા વરસાદ વરસ્યો છે. 5 જિલ્લાને બાદ કરતાં બાકીના 28 જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી. જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સૌ કોઈ વરસાદના એક સારા રાઉન્ડની રાહ જોઈને બેઠું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
Trending Tags: