- આવકવેરા વિભાગે અમદાવાદમાં 25 જગ્યા સહિત દેશમાં અલગ અલગ જગ્યાએ એક સાથે 40 સ્થળો પર સર્ચ હાથ ધર્યું
અમદાવાદઃ ગુજરાતમાં હમાણા આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. તાજેતરમાં અમદાવાદમાં ગુટખા ડીલર મુસ્તફા શેખ તેમજ તેના ભાગીદારને ત્યાં દરોડા પાડ્યાં હતા ત્યાં આજે શહેરની વધુ બે કંપનીઓને ત્યાં આવક વેરા વિભાગે સર્વેને કામગીરી હાથ ધરી છે.
આવકવેરા વિભાગે ગુજરાતના બે નામી ગ્રુપ્સ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સ વિરૂદ્ધ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગે અમદાવાદમાં એકસાથે 25 જગ્યાઓએ રેડ પાડી છે અને અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવા અનેક શહેરોમાં તપાસ ચાલી રહી છે. આવકવેરા વિભાગે 40 કરતા પણ વધારે સ્થળોએ છાપો માર્યો છે.
આવકવેરા વિભાગના અધિકારીઓએ મંગળવારે સવારથી એસ્ટ્રલ પાઈપ્સના ચેરમેન સંદિપ એન્જિનિયરના ત્યાં તપાસ ચાલી રહી છે. તે ઉપરાંત રત્નમણિ મેટલ્સના ચેરમેન પ્રકાશ સંઘવીના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ બંને કંપનીના અન્ય ડાયરેક્ટર્સના ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે.
ગુજરાત સિવાય અન્ય 15 સ્થળોએ સર્વે અને સર્ચની કામગીરી ચાલી રહી છે. આવકવેરા વિભાગના 150 કરતા પણ વધારે અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. આ બંને કંપની સાથે સંકળાયેલા મોટા માથાઓના માથે પણ તવાઈ બોલી છે. ત્યારે આ દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા જણાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે 16મી નવેમ્બરના રોજ અમદાવાદમાં આવકવેરા વિભાગે માણેકચંદના ડીલર મુસ્તફા શેખને ત્યાં પાલડી, કાલુપુર અને આશ્રમરોડ પર સર્વેની કામગીરી હાથ ધરી હતી.
Trending Tags: