આ અંગે માતાને જાણ થતા પગતળે જમીન સરકી પડી
વડોદરામાં યુવકે સળગતી ચિતામાં કૂદી આપઘાત કરતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ ઘટનાની જાણ થતા તેની માતા સ્મશાનમાં દોડી આવી હતી. આ અંગે છાણી પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કરીને પુનમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
વડોદરા શહેર નજીક દશરથ ગામના સિકોતરમાતાવાળા ફળિયામાં રહેતો પૂનમ ઉર્ફે મુકેશ રમેશભાઇ સોલંકી (ઉ.વ.30) મજુરી કરતો હતો. છેલ્લા 20 દિવસથી માનસિક અસ્વસ્થતા અનુભવતો હોવાથી પૂનમે મજુરી છોડી હતી. પુનમની માતા આનંદીબેન GSFCમાં સફાઇ સેવક તરીકે નોકરી કરે છે. પુનમના પિતાનું સાત વર્ષ પહેલા અવસાન થયુ હતુ. શુક્રવારે દશરથ ગામની ગોવિંદધામ સોસાયટીમાં રહેતા ગોવિંદભાઇ ત્રિકમભાઇ ચૌહાણ (ઉ.વ.73)નું અવસાન થયુ હતુ. દશરથના સ્મશાનમાં ગોવિંદભાઇના મૃતદેહની અંતિમવિધી કરાઈ હતી. મૃતકના સ્વજનો પણ સ્મશાનમાંથી જતા રહ્યા હતા. તે વેળા પુનમ ઉર્ફે મુકેશે સળગતી ચિતામાં અચાનક કુદકો માર્યો હતો.
રોડ નજીક જ આવેલા સ્મશાનના લીધે આ દ્રશ્ય કેટલાક યુવાનોએ જોયુ હતુ. આ વાત પુનમની માતાએ સાંભળીને સ્મશાનમાં ફળિયાના યુવાનોને લઇને દોડી ગઇ હતી. જોકે પુનમનો મૃતદેહ લગભગ બળી ગયો હતો. પુનમે પહેરેલી સોનાની વિંટી કડુ અને હાથના પંજા ઉપરથી માતા આનંદીબેને પુત્રની ઓળખ કરી હતી. આ બનાવની વાત વાયુવેગે ફેલાઇ જતા ગામમા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે છાણી પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કરીને પુનમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
સળગતી ચિતામાં ઝંપલાવીને જીવાદોરી ટૂંકાવનાર પુનમ છેલ્લા 20 દિવસ થી અસાધારણ વર્તન કરતો હતો. ઘરમાં સુઇ ગયો હોય ત્યારે સફાળો જાગી જતો હતો. અને આગ લાગી છે. મારે બુઝાવવા જવુ પડશે તેવુ કહેતો હતો. જયારે જાહેર રોડ ઉપર વચ્ચે ઉભો રહી જતો હતો. અને ત્યાંથી હટતો ના હતો.તેવુ પુનમની માતા આનંદીબેને છાણી પોલીસને જણાવ્યું હતુ.
Trending Tags: