Thursday, Aug 11, 2022 Today’s Paper

Health Care: કોરોના વાયરસ અને મંકીપોક્સ જેવા રોગો સામે લડવા શરુ કરી દો ઘરમાં જ ઉપલબ્ધ આ વસ્તુઓનું સેવન

31 Jul, 22 56 Views

તુલસીના છોડના તાજા પાંદડા બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે

Health Care: ભારતમાં કોરોના વાયરસ (Corona virus)નો કહેર હજુ યથાવત છે, ત્યાં મંકિપોક્સ વાયરસ (Monkeypox virus)ની મોકાણ આવીને ઉભી છે. આ જીવલેણ રોગોના વાયરસની ભીતિ દેશવાસીઓમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. એવા સમયે તમે તમારા ઘરમાં જ ઉપલબ્ધ કેટલીક વસ્તુનું સેવન કરીને આ રોગો સામે લડવાની શક્તિ મેળવી શકો છો. જીવલેણ રોગોની વચ્ચે નિષ્ણાતોએ રોગપ્રતિકારક શક્તિ (immunity) વધારતા ખોરાકનું સેવન કરવાનું સૂચન કરે છે. જે વાયરસથી સાજા થનારા લોકો માટે પણ વધુ સારું માનવામાં આવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા તમારા ઘરમાં સરળતાથી દહીં મળી જ રહેશે. દહીં વિટામિન ડીનો સ્ત્રોત છે. વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને એવું માનવામાં આવે છે કે તે રોગો સામે આપણા શરીરની કુદરતી સંરક્ષણને વેગ આપે છે. દહીં તમારી રોગપ્રતિકારક શક્તિને રોગો સામે લડવા માટે ઉત્તેજીત કરી શકે છે.

ફુદીનાના પાનનો ઉપયોગ ચટણીનો સ્વાદ વધારવામાં થાય છે. આ સાથે ઉકાળા બનાવતી વખતે ફુદીનાને એક ઔષધ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ફુદીનાના પાન મેન્થોલથી ભરપૂર હોય છે. તે તેના પ્રાથમિક સંયોજનોમાંનું એક છે જે સ્નાયુઓ અને પાચન તંત્રને આરામ કરવામાં મદદ કરે છે. ફુદીનાના પાન રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે. આ સાથે જ સંશોધન મુજબ, ફુદીનાના પાનનું નિયમિત સેવન ઉધરસ, સાઇનસ ઇન્ફેક્શન અને અસ્થમા જેવા સામાન્ય શ્વસન રોગોની સારવારમાં પણ મદદરૂપ થાય છે.

ઘરમાં રહેલો તુલસીના છોડનું ધાર્મિક મહત્વ હોવાની સાથે જ તેના કેટલાક ઔષધીય ગુણો પણ તેને શ્રેષ્ઠ બનાવે છે. આ જડીબુટ્ટી સામાન્ય શરદી અને ફ્લૂની સારવારમાં પણ મદદરૂપ છે. તુલસી માથાના દુખાવામાં રાહત આપે છે. તુલસીના છોડના તાજા પાંદડા બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે.

વિટામિન સીથી ભરપૂર અન્ય ખોરાક જેમ કે લીંબુ, આમળા, સંતરા અને ચેરી શરીર માટે સ્વાસ્થ્યપ્રદ છે. કારણ કે તેઓ વિવિધ સેલ્યુલર કાર્યોને ટેકો આપીને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. આ સાથે જ ઘણા રોગમાં પપૈયાનું સેવન કરવાથી ફાયદો થાય છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફર્મેશન (NCBI) દ્વારા પ્રકાશિત સંશોધન મુજબ, પપૈયામાં રહેલા પોલિફેનોલ્સ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. આ ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં અને શરીરને રોગો સામે લડવામાં મદદ કરી શકે છે. 

advertisment image