Sunday, Jul 03, 2022 Today’s Paper

Maharashtra Crisis: CM ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી, MLAs બાદ હવે MPs થયા નારાજ

23 Jun, 22 39 Views

બળવાખોર ધારાસભ્યો બાદ હવે સાંસદો પણ નારાજ થયાના સમાચાર મળી રહ્યા છે. આમ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર તૂટવાની અણીએ આવીને ઊભી છે.

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર (Maharashtra) અત્યારે કટોકટીની  (crisis) પરિસ્થિતિ વચ્ચે પસાર થઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની (CM uddhav thackeray) મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. બળવાખોર ધારાસભ્યો (MLAs) બાદ હવે સાંસદો (MPs) પણ નારાજ થયાના સમાચાર મળી રહ્યા છે. આમ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર તૂટવાની અણીએ આવીને ઊભી છે. ધારાસભ્યોની જેમ શિવસેનાના 19 સાંસદોમાંથી લગભગ 8-9 સાંસદો પણ ઉદ્ધવનો સાથ છોડી શકે છે. જો કે, પક્ષપલટા વિરોધી કાયદાને કારણે શિવસેનામાં રહેવું તેમની મજબૂરી હશે.

CM ઉદ્ધવના નજીકના એક વરિષ્ઠ પત્રકારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આમાંના મોટાભાગના સાંસદો કોંકણ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના છે. જેમાં વાશિમના શિવસેના સાંસદ ભાવના ગવલીનું નામ સૌથી મોખરે હોવાનું કહેવાય છે. તેમણે એકનાથ શિંદેના સમર્થનમાં પત્ર લખીને ઉદ્ધવને બળવાખોર ધારાસભ્યોની માંગ પર વિચાર કરવા અને આ નેતાઓ સામે કાર્યવાહી ન કરવા અપીલ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ સત્તા પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે અને શિંદેને શિવસેનાની સંપૂર્ણ કમાન્ડ મળતા જ તેઓ ઉદ્ધવથી અલગ ઉભા થઈ જશે. આ સિવાય કેટલાક અન્ય નામો છે જે આજે સામે આવી શકે છે. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે, થાણે લોકસભાના સાંસદ રાજન વિચારે અને નાગપુરના રામટેકના સાંસદ કૃપાલ તુમાને પણ પાર્ટીથી નારાજ છે.

શિવસેનાના સાંસદ ભાવના ગવલીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, 'હિંદુત્વના પક્ષમાં બળવાખોર ધારાસભ્યોની માંગ પર વિચાર કરવો જોઈએ. તેમણે સીએમને બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી ન કરવા પણ અપીલ કરી છે. જો કે, ઉદ્ધવ સમર્થિત નેતાઓનું કહેવું છે કે ભાવના વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. ED દ્વારા તેમને ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે. ગવલી સામે મહિલા પ્રતિષ્ઠાન ટ્રસ્ટમાં મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. આ ટ્રસ્ટમાં મની લોન્ડરિંગનો મામલો ઘણો જૂનો છે.

અન્ય કેટલાકમાં થાણેના સાંસદ અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેનું નામ સામેલ છે. મરાઠવાડા સાથે કેટલાક સાંસદો ઉદ્ધવના નિર્ણયોથી નારાજ છે. તેમનું કહેવું છે કે લોકસભામાં 19 સાંસદો સાથે મજબૂત સ્થિતિમાં ઊભા રહેવા છતાં ઉદ્ધવ માત્ર મુંબઈ પૂરતા જ સીમિત રહ્યા છે અને અનેક વખત કહેવા છતાં તેમની સાથે જોડાયેલા કાર્યકરોની પાર્ટીમાં સતત ઉપેક્ષા થઈ રહી છે. 
પક્ષપલટા વિરોધી કાયદો એક વિરોધી કાયદો છે, જે ધારાસભ્યો અથવા સાંસદોને પક્ષ બદલવાથી અટકાવે છે. વાસ્તવમાં જો ધારાસભ્ય ચૂંટણી પહેલા પક્ષ બદલે તો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ જો તે એક પક્ષમાંથી જીત્યા પછી આમ કરે છે તો, તેમણે પહેલા લોકસભામાંથી રાજીનામું આપવું પડશે અને તેમની બેઠક પર ફરીથી ચૂંટણી યોજાશે.

આ કાયદામાં એવી પણ જોગવાઈ છે, જે અંતર્ગત જો પાર્ટીના 2/3 સાંસદો એકસાથે પાર્ટી છોડી દે તો તેમને રાજીનામું આપવાની કોઈ જરૂર નહીં પડે અને તેમની સીટ પર ચૂંટણી યોજવામાં આવશે નહીં અને આ દરમિયાન તેઓ જે પણ પક્ષને સમર્થન આપશે, તેની સરકાર કોઈપણ મુશ્કેલી વિના સત્તામાં આવશે.

જો કે, સાંસદોની સ્થિતિ મહારાષ્ટ્ર વિધાનસભાને અસર કરશે નહીં. રાષ્ટ્રપતિની ચૂંટણી 2022માં દરેક સાંસદના વોટનું મૂલ્ય ઘટીને 700 થઈ ગયું છે, જેનું કારણે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા નહીં હોવાનું છે. આવી સ્થિતિમાં જો શિંદે જૂથ પાસે વધુ સાંસદો હોય અને તેઓ શિવસેનાના વાસ્તવિક ઉત્તરાધિકારી બને તો તેનું નુકસાન વિપક્ષને સહન કરવું પડી શકે છે.

advertisment image