Thursday, Aug 11, 2022 Today’s Paper

China Taiwan Tension: ચીને તાઈવાનની આસપાસ 2 કલાકમાં 11 બેલેસ્ટિક મિસાઈલો છોડી, બંને દેશ વચ્ચે તણાવ યથાવત

04 Aug, 22 42 Views

અમેરિકા હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત અગાઉ ચીને જાહેરાત કરી હતી કે, તાઈવાનની આસપાસના છ વિસ્તારોમાં તેની નૌકાદળ, વાયુસેના અને અન્ય વિભાગો દ્વારા લશ્કરી કવાયત ચાલી રહી છે

China Taiwan Tension: અમેરિકા (America) હાઉસ સ્પીકર નેન્સી પેલોસી (Nancy Pelosi)ની તાઈવાન મુલાકાત (Nancy Pelosi visits Taiwan)થી નારાજ ચીને (China) તાઈવાન (Taiwan)ને ઘેરવાની તમામ કોશિશ કરી રહ્યું છે. ચીને તાઈવાન સરહદ પર સૈનિકો અને શસ્ત્રો ખડકી દીધા બાદ પોતાની ડ્રેગન ચાલ ચાલી છે. ચીને તાઈવાનના ઉત્તરપૂર્વ અને દક્ષિણ પશ્ચિમમાં અનેક બેલેસ્ટિક મિસાઈલો (Ballistic missiles) છોડી છે. મળતી માહિતી મુજબ, ચીને 4 ઓગસ્ટ, ગુરુવારે 2 કલાકમાં 11 બેલેસ્ટિક મિસાઈલો તાઈવાનની આસપાસ છોડી ઉશ્કેરણીજનક કૃત્ય કર્યું છે. જેને લઈને હાલ ચીન અને તાઇવાન બંને દેશો વચ્ચે તણાવ (China Taiwan Tension)ની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે.

ચીને 11 બેલેસ્ટિક મિસાઈલો  છોડી હોવાની માહિતી મળતા તાઇવાનના વિદેશ મંત્રાલયે અન્ય દેશોની નજીકના પાણીમાં ઇરાદાપૂર્વક મિસાઇલોનું પરીક્ષણ કરવા બદલ ચીની સરકારની સખત નિંદા કરી. તાઈવાને કહ્યું કે, 'આમ કરવાથી તાઈવાનની રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય છે, પ્રાદેશિક તણાવ વધે છે અને નિયમિત આંતરરાષ્ટ્રીય ટ્રાફિક અને વેપારને અસર થાય છે.'

તાઈવાનના વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, 'આ બેલેસ્ટિક મિસાઈલો ચીન તરફથી અમારી દરિયાઈ સરહદમાં છોડવામાં આવી છે. ચીને લગભગ 2 કલાકમાં 11 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઉશ્કેરણી અમારી સુરક્ષાને જોખમમાં મૂકે છે, પ્રદેશમાં તણાવ વધારી રહી છે અને આંતરરાષ્ટ્રીય પરિવહન અને વેપારને અવરોધે છે. અમે આ બેજવાબદાર વર્તનની નિંદા કરીએ છીએ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આવું કરવા વિનંતી કરીએ છીએ. અમે યથાસ્થિતિ જાળવી રાખવા અને મુક્ત અને ખુલ્લું ઈન્ડો-પેસિફિક સુનિશ્ચિત કરવા મિત્રો અને ભાગીદારો સાથે કામ કરીશું. તાઈવાન આ માટે ચીનની સખત નિંદા કરે છે.'

અમેરિકા હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત અગાઉ ચીને જાહેરાત કરી હતી કે, તાઈવાનની આસપાસના છ વિસ્તારોમાં તેની નૌકાદળ, વાયુસેના અને અન્ય વિભાગો દ્વારા લશ્કરી કવાયત ચાલી રહી છે. આ સાથે જ ચીને નેન્સી પેલોસીને તાઈવાન ન જવાની ચેતવણી આપી હતી. નેન્સી પેલોસી તાઈવાન પહોંચ્યા બાદ ચીને અમેરિકાને કહ્યું કે, 'આ ચીનને ઉશ્કેરવાનો પ્રયાસ છે અને તેનું પરિણામ સારું નહીં આવે.' ચીન તાઈવાનને પોતાનો વિસ્તાર હોવાનો દાવો ઘણીવાર કરી ચૂક્યું છે.

ચીન દ્વારા આજે 4 ઓગસ્ટ, ગુરુવારે છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઇલો અંગે જણાવવામાં આવ્યું છે કે, 'ચીને સૈન્ય અભ્યાસના ભાગરૂપે ગુરુવારે તાઈવાન સ્ટ્રેટમાં ચોક્કસ મિસાઈલ હુમલા કર્યા છે.' ચીનના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડે ગુરુવારે જણાવ્યું હતું કે, 'તેણે આયોજિત કવાયતના ભાગરૂપે તાઈવાનના પૂર્વ કિનારે પાણી પર પરંપરાગત મિસાઈલોના અનેક ફાયરિંગ પૂર્ણ કર્યા છે. ફાયરિંગ કવાયત પૂર્ણ થયા બાદ સંબંધિત દરિયાઈ અને હવાઈ ક્ષેત્ર પરનું નિયંત્રણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.'

advertisment image