Tuesday, Jan 31, 2023 Today’s Paper

India CDS: દેશના બીજા સીડીએસ બન્યા લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ

28 Sep, 22 54 Views

જનરલ બિપિન રાવતના અવસાનથી સીડીએસનું લશ્કરી પદ ખાલી હતું

India CDS: દેશના બીજા સીડીએસ (CDS) તરીકે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (Lt Gen Anil Chauhan)ની નિયુક્તિ કરવામાં આવી છે. જનરલ બિપિન રાવત (General Bipin Rawat)ના અવસાનના નવ મહિના બાદ સરકારે 28 સપ્ટેમ્બર, બુધવારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (સેવાનિવૃત્ત)ને નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (Chief of Defense Staff - CDS) તરીકે નિયુક્ત કર્યા છે. સેનામાં 40 વર્ષ સેવા આપ્યા બાદ તેઓ ગયા વર્ષે જ નિવૃત્ત થયા હતા. અનિલ ચૌહાણ દેશના આર્મીના ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર અને ડીજીએમએઓ (DGMAO) રહી ચૂક્યા છે. આ દિવસોમાં તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (National Security Council Secretariat)માં સૈન્ય સલાહકાર તરીકે તૈનાત હતા.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, 'ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (સેવા નિવૃત) ને આગામી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યા છે, જેઓ ભારત સરકારના સૈન્ય બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, 40 વર્ષથી વધુની કારકિર્દીમાં લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત)એ અનેક કમાન્ડ સંભાળ્યા છે. તેમની પાસે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતમાં આતંકવાદ વિરોધી કામગીરીનો બહોળો અનુભવ છે.'

નોંધનીય છે કે, જનરલ બિપિન રાવતના અવસાનથી સીડીએસનું લશ્કરી પદ ખાલી હતું. ડિસેમ્બર 2021માં તમિલનાડુમાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થતાં ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત અને તેમની પત્નીનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં કુલ 13 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલા એરફોર્સ વન ગ્રુપ કેપ્ટન ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ ચીફ ઑફ સ્ટાફ કમિટીના સ્થાયી અધ્યક્ષ છે અને રાજકીય નેતૃત્વને નિષ્પક્ષ સલાહ આપવા ઉપરાંત, સંરક્ષણ પ્રધાનના મુખ્ય લશ્કરી સલાહકાર પણ છે. 63 વર્ષીય જનરલ રાવતે જાન્યુઆરી 2020માં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ પોસ્ટ ત્રણ સેવાઓ- આર્મી, નેવી અને એર ફોર્સને એકીકૃત કરવા માટે બનાવવામાં આવી હતી.